બીએમસીએ સપ્ટેમ્બરમાં શહેરમાંથી ૫૭૮૬ ટન ઘન કચરો એકઠો કર્યો

22 September, 2023 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગનાં રોજિંદાં વાહનોની સાથે જેસીબી, ડમ્પર વગેરે ૧૮૧ વધારાનાં મશીનો પણ તહેનાત કરવામાં આવ્યાં છે

ફાઇલ તસવીર

સુધરાઈએ બુધવારે જણાવ્યું હતું કે મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી કચરા અને કન્સ્ટ્રક્શનના ભંગાર સહિત કુલ ૫૭૮૬ ટન ઘન કચરો એકઠો કરવામાં આવ્યો છે. તમામ ૨૪ સિવિક વૉર્ડમાંથી એકઠા કરાયેલા અને વહન કરવામાં આવતા ઘન કચરામાં ૧૬૦૩ ટન કચરો અને ૪૧૮૩ ટન ભંગાર તથા કચરાપેટીનો સમાવેશ થાય છે.

હાલમાં બીએમસીનો સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અન્ય વિભાગોની મદદથી એના અધિકારક્ષેત્રમાં આવતા નાના રસ્તાઓ, ગલીઓ, ઝૂંપડપટ્ટીઓ સહિતના વિસ્તારોમાં સામૂહિક સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને ગણપતિ પંડાલો અને વિસર્જન સ્થળોની આસપાસના વિસ્તારોની પણ રાત-દિવસ સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં સુધરાઈના નિયમિત કર્મચારીઓ ઉપરાંત બિનસરકારી સંસ્થાઓના ૪૨૯ પ્રતિનિધિઓ અને ૨૦ કૉન્ટ્રૅક્ટ કામદારો સહિત ૪૪૯ વધારાના મેનપાવરની ભરતી કરવામાં આવી છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગનાં રોજિંદાં વાહનોની સાથે જેસીબી, ડમ્પર વગેરે ૧૮૧ વધારાનાં મશીનો પણ તહેનાત કરવામાં આવ્યાં છે.

તાજેતરમાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માઝગાવ પાસે કચરા અને ગંદકીથી ભરેલા રસ્તા જોવા મળતાં બીએમસીને શહેરની સ્વચ્છતા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

mumbai mumbai news