13 August, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની કૅન્ટીનમાં જમવાના કાઉન્ટરની પાસે જ કોક્રૉચ ફરતા જોવા મળ્યા હતા
મુંબઈ ઃ મુંબઈ બીએમસી દ્વારા સ્વચ્છતા માટે અનેક જાહેરાતો અને મોટી-મોટી વાતો કરીને લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. એટલું જ નહીં, ૨૦૨૩નું સ્વચ્છતા સર્વેક્ષણ હાલમાં જ પૂરું થયું છે અને અનેક ઇન્સ્પેક્શન પણ થયાં છે ત્યારે બીએમસીની હેડ ઑફિસમાં આવેલી કૅન્ટીનમાં જ અસ્વચ્છતાનું ગંભીર ઉદાહરણ જોવા મળ્યું છે. આ કૅન્ટીનમાં હજારો લોકો ખાવા માટે આવતા હોય છે અને ત્યાં જ કોક્રૉચ ફરતા જોવા મળ્યા હતા. ખાવાના કાઉન્ટર પાસે જ ક્રૉક્રૉચ ફરી રહેલા જોવા મળતાં એને એક ગુજરાતી યુવાને પોતાના મોબાઇલમાં કેદ પણ કર્યા છે. આનાથી સ્વચ્છતા બાબતે બીએમસી પોતે કેટલી ગંભીર છે એ જોવા મળી રહ્યું છે. સીએસએમટીમાં બીએમસીની હેડ ઑફિસ આવેલી છે. એમાં રોજ ૫૦૦થી વધુ લોકો જમવા આવે છે. બીએમસીનો સ્ટાફ અને અન્ય લોકો પણ એનો ઉપયોગ કરે છે. આ બનાવ વિશે માહિતી આપતાં વિડિયો લેનાર ગુજરાતી યુવાન રિતેશ વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા કામ માટે બીએમસીની ઑફિસમાં ગયો હતો. મારી સાથે મારો સહયોગી હતો. અમે બપોરે ૧.૫૦ વાગ્યાની આસપાસ ત્યાંની કૅન્ટીનમાં જમવા ગયા હતા. હું લાઇનમાં ઊભો હતો ત્યારે મારી નજર કાઉન્ટર પર ગઈ હતી. કાઉન્ટર પર ખાવાની આગળ જ કોક્રૉચ ફરતા દેખાયા હતા. કોક્રૉચનાં બેથી ત્રણ નાનાં બચ્ચાં હતાં જે કાઉન્ટરની આસપાસ ફરતાં હતાં. એટલું જ નહીં, એમાં એક ક્રૉક્રૉચ રાઇસ અને રોટલીના વાસણની અંદર જઈ રહેલો પણ દેખાયો હતો. આથી મારી સાથે બીજા બે-ત્રણ લોકોએ ત્યાં ખાવાનું પીરસનારનું ધ્યાન દોર્યું હતું, પણ તેણે આ વાતને અનદેખી કરી હતી. એટલે મેં પુરાવા માટે મારા મોબાઇલમાં વિડિયો બનાવી લીધો હતો. બપોરે ગિરદી હોવાથી કાઉન્ટર પર બેસેલી મહિલા અને પુરુષ બન્ને સંભાળવા પણ તૈયાર નહોતાં અને જલદી-જલદી બધાનું બિલ બનાવી રહ્યાં હતાં. આ વિડિયો મેં હાલમાં ટ્વીટ કરીને બીએમસીના સૂતેલા અધિકારીઓને જાણ કરી છે અને આ વિષયમાં હવે લેખિતમાં પણ ફરિયાદ કરવાનો છું.’