31 December, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે તબક્કામાં આવું કમર્શિયલ હબ તૈયાર કરવામાં આવશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દહિસર ચેકનાકા પાસેના બંધ કરવામાં આવેલા ઑક્ટ્રૉય નાકાની ખાલી પડેલી જમીનમાં ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કમર્શિયલ હબ, હોટેલ અને પાર્કિંગ બનાવવા માટેની યોજના તૈયાર કરી છે એ માટેના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. આવતા મહિનાથી કામની શરૂઆત થઈ શકે છે.
BMCના એક અધિકારીના જણાવ્યા મુજબ દહિસર ચેકનાકા પાસેના બંધ થઈ ગયેલા ઑક્ટ્રૉય નાકાની ૨૪,૬૨૮ ચોરસ મીટર જમીનમાં બે વર્ષ પહેલાં હોટેલ, કમર્શિયલ હબ અને પાર્કિંગ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી, જેને આખરી ઓપ આપી દેવાયો છે અને ટેન્ડરોને મંજૂરી આપી દેવામાં આવી છે. મુંબઈમાં થતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ચેકનાકા પાસે બહારગામથી આવતાં વાહનોના પાર્કિંગ માટે બે બેઝમેન્ટ સહિતનું બસ-ટર્મિનલ બનાવવામાં આવશે, જ્યાં ૪૫૦ બસ અને ૧૪૫૦ ટ્રક સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે. ઉપરાંત બહારગામના લોકોના રહેવા માટે ૧૩૧ રૂમની એક આલીશાન હોટેલ પણ બનાવવામાં આવશે.