ચોમાસા પહેલાં ગોખલે બ્રિજની બે લેન શરૂ કરવા બીએમસી અને રેલવે મક્કમ

09 February, 2023 09:15 AM IST  |  Mumbai | Prajakta Kasale

ધીમી ગતિએ ચાલી રહેલા કામ મામલે મતભેદો ઉકેલવા મહાનગરપાલિકા અને વેસ્ટર્ન રેલવેની યોજાયેલી બેઠકમાં બન્નેએ પોતાના વચનને વળગી રહીને બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી

શહેર સુધરાઈએ રેલવેને ડિમોલિશનની ધીમી ચાલી રહેલી કામગીરી વિશે ફરિયાદ કરી હતી. તસવીર: નિમેશ દવે

મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ગોખલે રોડ બ્રિજના કામ મામલે સર્જાયેલી સમસ્યા ઉકેલવા માટે મંગળવારે બેઠક યોજી હતી. એ પછી સુધરાઈએ અંધેરી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટરની બે લેનના સમયસર રીઓપનિંગની ખાતરી આપી છે.

કૉર્પોરેશને રેલવે દ્વારા મંથર ગતિએ ચાલી રહેલા ડિમોલિશન વિશે ગયા અઠવાડિયે નારાજગી વ્યક્ત કરી હતી.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુ અને સંબંધિત એન્જિનિયરોએ ગયા ગુરુવારે સાઇટની મુલાકાત લીધી એ પછી કૉર્પોરેશને યાદી પ્રસિદ્ધ કરીને જણાવ્યું હતું કે ‘રેલવે કૉન્ટ્રૅક્ટરે છેલ્લા બે મહિનામાં ૮૦ મીટર બ્રિજના ભાગમાંથી ફક્ત ૩૦ મીટરનું ડિમોલિશન પૂરું કર્યું છે. રેલવે બ્રિજનું ડિમોલિશન થયા પછી જ કૉર્પોરેશન બાકીનું કામ આગળ ધપાવી શકશે.’

બ્રિજના આંશિક રીઓપનિંગનો વિલંબ કેવી રીતે ટાળી શકાય એની ચર્ચા કરવા મંગળવારે કૉર્પોરેશનના હેડક્વૉર્ટર પર એક સંયુક્ત બેઠક યોજાઈ હતી.

પી. વેલારાસુએ જણાવ્યું હતું કે ‘રેલવે સાથેની મીટિંગ ફળદાયી નીવડી હતી. શેડ્યુલ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. કેટલીક તકનીકી સમસ્યાઓ છે, પણ બંને પક્ષોએ સંમતિ સાધી છે. આ બે સંસ્થાઓ દ્વારા સમાંતર કામગીરી ધરાવતો એક જટિલ પ્રોજેક્ટ હોવાથી તમામ કામગીરીના સમયગાળાની ગોઠવણની ચર્ચા કરવામાં આવી હતી. અમે અમારા વચનને વળગી રહીને ચોમાસા પહેલાં બે લેન શરૂ કરવા માટે અમારાથી બનતા તમામ પ્રયાસો કરીશું.’

કૉર્પોરેશનના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘નવા બ્રિજના પાઇલિંગ અને પાયાનું કામ ડિમોલિશન પછી જ શરૂ કરી શકાશે. જોકે ડિમોલિશન ચાલતું હોય એ દરમિયાન પણ કેટલાંક કામો થઈ શકે એમ છે. એનાથી કામની ગતિ ઝડપી થશે. અન્યથા ચોમાસા પહેલાં બે લેનનું બાંધકામ પૂરું કરવું મુશ્કેલ બનશે.’

કૉર્પોરેશને ફ્લાયઓવરના ઉત્તર છેડે રસ્તાનું ૭૦ ટકા કામ પૂરું કરી દીધું છે. જોકે રેલવેએ ડિમોલિશનનું કામ પૂરું કરવું બાકી હોવાથી દક્ષિણ છેડે કામ હજી શરૂ થયું નથી.

સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટમાં બ્રિજને જર્જરિત અને જોખમી ગણાવ્યા બાદ કૉર્પોરેશને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં બ્રિજ બંધ કરી દીધો હતો. રેલવેએ ડિસેમ્બરમાં રેલવે ટ્રૅક પરના બ્રિજનું ડિમોલિશન શરૂ કર્યું હતું.

mumbai mumbai news western railway brihanmumbai municipal corporation