27 October, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મોહમ્મદ અલી રોડ પરની એક દુકાનમાં ફટાકડા ખરીદવા જામેલી ભીડ. તસવીર : શાદાબ ખાન
દિવાળી દરમ્યાન સમગ્ર મુંબઈના રસ્તા અને ફુટપાથો પર ફટાકડાના અસંખ્ય ગેરકાયદે સ્ટૉલ લાગી જતા હોય છે. ફટાકડાના અવાજ અને ખરાબ ધુમાડાને કારણે વાયુપ્રદૂષણનું તો જોખમ રહે જ છે, ઉપરાંત મોટી આગ લાગવાનું પણ જોખમ રહેતું હોય છે એ જોતાં હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસ દ્વારા ગેરકાયદે સ્ટૉલો પર જૉઇન્ટ ઍક્શન લેવામાં આવશે. BMC દ્વારા માલ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવશે, જ્યારે પોલીસ સંબંધિત ફેરિયા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરશે. BMCના લાઇસન્સ અને અતિક્રમણ વિભાગના અધિકારીઓની એક ટીમ તેમના સંબંધિત વિસ્તારોમાં સર્વે પણ કરશે.
મુંબઈમાં ૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી ફાનસનો ઉપયોગ, વેચાણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એમ જણાવતાં મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર અકબર પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ગયા વર્ષે ફાનસ ઉડાડવાના અને વેચવાના કિસ્સા મોટા પ્રમાણમાં સામે આવ્યા હતા. ફાનસ ઉડાવવી જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે એટલે દિવાળીના સમયગાળા દરમ્યાન એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇસન્સ વગર ફટાકડા વેચતા ફેરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી માટેની સૂચના તમામ પોલીસ-સ્ટેશનોને આપવામાં આવી છે.’
મુંબઈ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં ફટાકડાના ગેરકાયદે વેચાણને રોકવા સક્રિયપણે અમારા લાઇસન્સ અને અતિક્રમણ વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે એમ જણાવતાં BMCના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ દિવાળીમાં રસ્તા અથવા ફુટપાથ પર ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરતી જોવા મળશે તો તેની સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવશે. એની સાથે તેનો તમામ માલ પણ જપ્ત કરવામાં આવશે.’