બોરીવલીની આઇ.સી. કૉલોની હચમચી ફેસબુક લાઇવ પરના ખૂની ખેલથી ૯ બુલેટ, ૨ મોત

09 February, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે જૂથ બાદ બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિક પર ફાયરિંગ : આઇ. સી. કૉલોનીની ઑફિસમાં જ ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કર્યા બાદ મૉરિસ નરોનાએ પોતાના પર પણ ચાર ગોળીઓ મારી

ફેસબુક લાઇવ ચાલી રહ્યું હતું ત્યારે જ મૉરિસ નરોનાએ અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કર્યો હતો.

ઉલ્હાસનગરમાં બીજેપીના વિધાનસભ્યે એકનાથ શિંદે જૂથના નેતા પર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરવાની ઘટના હજી તાજી છે ત્યાં ગઈ કાલે રાત્રે બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કરનારાએ બાદમાં પોતાને પણ ચાર ગોળી મારી હોવાનું જાણવા મળ્યું હતું. બંને ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી અભિષેકને બોરીવલીમાં આવેલી કરુણા હૉસ્પિટલ તો મૉરિસને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અભિષેકના પેટમાં ત્રણ ગોળી અને મૉરિસના માથા તથા શરીરમાં ગોળીઓ વાગી હોવાનું કહેવાય છે. બંને જણના આ ઘટનામાં મરણ થઈ ગયા છે.

પોલીસના જણાવ્યા મુજબ બોરીવલી-વેસ્ટમાં આઇ. સી. કૉલોનીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની ઑફિસ આવેલી છે. ગઈ કાલે રાત્રે અંદાજે સાડાસાત વાગ્યે અહીં તે તેના જ જૂથના નેતા મૉરિસ નરોના સાથે હતો. મૉરિસની ઑફિસ સામે જ આવી છે અને તેમાં શિવસૈનિકોએ ગઈ કાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી.  તેમની વચ્ચે અગાઉની વાતો ભૂલી જઈને ફરી સાથે કામ કરવાની વાતચીત ચાલતી હતી જે ફેસબુક પર લાઇવ હતી. અભિષેક ઘોસાળકર ઊભો થઈને જવા લાગ્યો ત્યારે તેના પર ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ મૉરિસે કર્યું હતું. એની ક્ષણ બાદ મૉરિસે પણ પોતાના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટના લાઇવ રેકૉર્ડ થઈ ગઈ હતી.

મૉરિસ નરોનાએ સાડી વિતરણ માટેનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં અભિષેક ઘોસાળકરને બોલાવ્યો હતો. આથી કાર્યક્રમ પૂરો થયા બાદ અભિષેક ઘોસાળકરની ઑફિસમાં તેઓ બેઠા હતા અને તેમણે ફેસબુક લાઇવ કરીને કાર્યક્રમ વિશેની વાતચીત કરી હતી. 

અભિષેક અને મૉરિસ બાજુમાં બેસેલા દેખાયા
અભિષેક ઘોસાળકર પર થયેલા ફાયરિંગનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે મૉરિસ નરોનાની બાજુમાં બેસીને વાતો કરતો દેખાય છે. મૉરિસ કહેતો સંભળાય છે કે ‘લોકોને આશ્ચર્ય થશે. જે વાત યુનિટી માટે હતી. આઇ. સી. કૉલોની માટે થઈ રહી છે. આપણે એકસાથે આવવું જોઈએ, સારું કામ કરવું જોઈએ. આજે અમે નક્કી કર્યું હતું કે સાડી વિતરણ, રૅશન વિતરણ કરવું છે. અભિષેકભાઈ અને અમે નાશિક ટ્રિપની બસો નક્કી કરી છે.’

અભિષેકે શું કહ્યું?
વિડિયોમાં અભિષેક ઘોસાળકર બોલતો સંભળાય છે કે ‘હવે એવું છે કે હમણાં જ તમે કહ્યું કે આપણે સાથે આવી રહ્યા છીએ. આથી સારો દૃષ્ટિકોણ રાખીને અને એકત્રિત રીતે રહીને એક સારું કામ કરવાનું છે.’ (મૉરિસ ઊભો થઈને જાય છે)  અભિષેકનું બોલવાનું ચાલુ રહે છે અને કહેતો સંભળાય છે કે ‘મને એવું લાગે છે કે આપણે સારા કામ માટે આગળ જવું જોઈએ. લોકોનું ભલું કરવું જોઈએ. લોકોનો ફાયદો કોઈ પણ રીતે થાય એ આપણે જોઈશું. મને લાગે છે કે આજે એક સારો નિર્ણય મૉરિસભાઈએ કર્યો છે. આજે સાડી, ફળ અને અનાજ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે.’ એવામાં મૉરિસ પાછો આવે છે અને આપણે સાથે સારું કામ કરીશું એમ બોલતી વખતે અભિષેકના ચહેરા ઉપર સ્મિત હતું અને તે ઊભો થવા જાય છે ત્યાં જ અચાનક તેના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ થાય છે.

જૂની અદાવત?
બોરીવલીની આઇ. સી. કૉલોનીમાં મૉરિસ નરોના એક ભાઈ તરીકે ઓળખાય છે. તેના પર બળાત્કાર, ખંડણી અને ચીટિંગના કેટલાક કેસ છે. એક મહિલા સાથે ૮૮ લાખ રૂપિયાની ચીટિંગ કરીને તેના પર બળાત્કાર કરવાનો મામલો તેના પર ચાલ્યા બાદ તે જેલમાં બંધ હતો. મહિલાને અભિષેક ઘોસાળકર કે તેના સહયોગીઓએ મદદ કરી હોવાનું કહેવાય છે. મૉરિસ તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. અભિષેકને લીધે પોતાને જેલમાં જવું પડ્યું હોવાનું માનીને મૉરિસે બદલો લેવા માટે આજે અભિષેકને સાડી અને અનાજ વિતરણના કાર્યક્રમમાં બોલાવ્યો હોવાનું કહેવાય છે. બંને વચ્ચે પહેલાં શાંતિથી વાતચીત થઈ અને બાદમાં મૉરિસે ઉશ્કેરાઈ જઈને પહેલાં અભિષેક પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં પોતાને પણ ગોળીઓ મારી દીધી હતી. જોકે પોલીસે આ બાબતે કંઈ કહ્યું નથી. એ માત્ર તપાસ કરવામાં આવી રહી હોવાનું જ કહી રહી છે.
ઉલ્લેખનીય છે કે બીજેપીના કલ્યાણના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનમાં ૧૦ રાઉન્ડ ગોળીબાર કરવાની ઘટના હજી તાજી છે અને એની તપાસ ચાલી રહી છે ત્યારે જ બોરીવલીમાં શિવસેનાના વધુ એક નેતા સામે ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ રહી હોવાનો આરોપ સરકાર પર વિરોધ પક્ષોએ કર્યો છે.

બન્નેનાં સારવાર દરમ્યાન મૃત્યુ
એમએચબી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ અભિષેક ઘોસાળકર અને મૉરિસ નરોનાનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. મૉરિસના મૃતદેહને ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે અને અભિષેક ઘોસાળકરના મૃતદેહને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો છે. બંને વચ્ચે મોટી રકમ બાબતે ગયા વર્ષે માથાકૂટ થઈ હતી એને લઈને આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.’

facebook Crime News murder case kandivli mumbai news mumbai borivali