BJP મગરમચ્છ જેવી છે, તેના સાથી પક્ષોને ગળી જાય છે: સંજય રાઉતનો મોટો પ્રહાર

27 May, 2023 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “શિવસેનાએ બીજેપીથી પોતાને એટલા માટે દૂર કરી કારણ કે પાર્ટી તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હતી."

ફાઇલ તસવીર

શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે (Gajanan Kirtikar) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં તેમની પાર્ટી સાથે સાવકી માતા જેવા વર્તનની ફરિયાદ કર્યાના એક દિવસ બાદ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે ભાજપ મગર જેવું છે. તે કોઈ પણ તેની સાથે હોય છે તે તેને `ગળી જાય છે`.

મીડિયા સાથે વાત કરતા, સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ તત્કાલીન અવિભાજિત શિવસેના (Shiv Sena) અને બીજેપી (BJP)ના વિભાજનને ટાંકતા કહ્યું કે આ જ કારણ હતું કે તેમની પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે 2019માં ભાજપથી અલગ થઈ ગયા હતા.

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “શિવસેનાએ બીજેપીથી પોતાને એટલા માટે દૂર કરી કારણ કે પાર્ટી તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હતી. ભાજપ મગર કે અજગર જેવી છે. તેમની સાથે જે કોઈ  જાય છે તે તેને ગળી જાય છે. હવે તેઓ (શિવસેનાના સાંસદો અને ધારાસભ્યો, જેમણે નેતૃત્વ સામે બળવો કર્યો હતો) અનુભવશે કે ઉદ્ધવ ઠાકરેનો આ મગરથી પોતાને દૂર કરવાનો નિર્ણય યોગ્ય હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં ઘણી બેચેની છે.

સાંસદ ગજાનન કીર્તિકરના નિવેદનો સાથે સહમત થતા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “ગજાનન કીર્તિકરે જે કહ્યું છે તે શિવસેના (UBT)નું સ્ટેન્ડ પણ છે. તેઓ (ભાજપ) તેમની વાતને વળગી રહેતા નથી. તેમણે શિવસેનાના ધારાસભ્યોને ફંડ આપ્યું નહીં અને શિવસેનાના નેતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.” તેમણે કહ્યું કે, “આ કારણથી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર અને પાર્ટીના સન્માન માટે નિર્ણય લીધો હતો.”

NDAમાં અમારી સાથે સાવકી માતા જેવું વર્તન કરવામાં આવે છે: ગજાનન કીર્તિકર

શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે શુક્રવારે (26 મે) કહ્યું હતું કે, “અમે એનડીએનો ભાગ છીએ. તેથી અમારું કામ તે મુજબ થવું જોઈએ અને (એનડીએ) ઘટકોને (યોગ્ય) દરજ્જો મળવો જોઈએ. અમને લાગે છે કે અમારી સાથે સાવકી માતા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.”

આ પણ વાંચો: ચોમાસામાં પાણી ભરાતા વિસ્તારો પર હવે આ રીતે નજર રાખશે BMC, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) સાથે હાથ મિલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ 2019માં NDAમાંથી વોકઆઉટ કર્યું હતું. ત્રણેય પક્ષોએ મહા વિકાસ અઘાડી (MVA) સરકારની રચના કરી. શિંદેએ ગયા વર્ષે શિવસેનામાં બળવો કર્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા.

mumbai mumbai news shiv sena bharatiya janata party sanjay raut