મારકડવાડીના લોકોએ ક્યારેય કોઈ એક પક્ષને મત નથી આપ્યા

09 December, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ છેલ્લી ત્રણ ચૂંટણીઓના આંકડાઓ મૂકીને વિરોધ પક્ષના પ્રચારનો ભાંડો ફોડી નાખ્યો

ચંદ્રશેખર બાવનકુળે

સોલાપુરના માળશિરસ વિધાનસભા મતદાર સંઘમાં આવેલા મારકડવાડી ગામના લોકોએ પોતે મત ન આપ્યા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામ સાતપુતેને વધારે મત મળવા સામે સવાલ કર્યો છે અને અહીં ફરીથી બૅલટ પેપરથી ચૂંટણી યોજવાની માગણી કરી છે. મારકડવાડીના મુદ્દાને ‌મહા વિકાસ આઘાડીના નેતાઓએ ઉપાડી લીધો છે અને ગઈ કાલે શરદ પવારે આ ગામની મુલાકાત કરી હતી અને તેમણે પણ આ ગામના મતદાનના આંકડા સામે શંકા વ્યક્ત કરી હતી.  BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગામવાસી અને શરદ પવારની શંકાનો જવાબ ગઈ કાલે આંકડાથી આપ્યો હતો.

ચંદ્રશેખર બાવનકુળેએ તેમના સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારકડવાડીના લોકોએ ક્યારેય એક પક્ષને મતદાન નથી કર્યું. ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મારકડવાડી ગામના લોકોએ અનુક્રમે સ્વાભિમાની પક્ષ અને અપક્ષ ઉમેદવારને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ (NCP)ના ઉમેદવાર કરતાં વધુ મત આપ્યા હતા. ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ગામવાસીઓએ અનુક્રમે BJPને અને NCPના ઉમેદવારને વધુ મત આપ્યા હતા. આવી જ રીતે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ગામવાસીઓએ શરદ પવારની NCPના તો તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં BJPના ઉમેદવારને વધુ મત આપ્યા હતા. ત્રણ લોકસભા અને ત્રણ વિધાનસભાની ચૂંટણીના મતદાનની પૅટર્ન પરથી ખ્યાલ આવે છે કે ગામવાસીઓએ દરેક વખતે અલગ-અલગ પાર્ટીને મત આપ્યા હતા.’

mumbai news mumbai solapur maharashtra assembly election 2024 assembly elections bharatiya janata party political news