શિવસેનાના નામે ચોરી કરનારા ઇન્ટરનૅશનલ ચોર

03 October, 2023 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના લક્ષ્મણ ઢોબળેએ ઠાકરે પિતા-પુત્રના શિવાજી મહારાજના વાઘનખ બાબતના નિવેદનને વખોડ્યું

ગઈ કાલે કૉન્ગ્રેસની રૅલી વખતે એક સમયે પોલીસ અને કૉન્ગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા (તસવીર : શાદાબ ખાન)

છત્રપતિ શિવાજી મહારાજે સોળમી સદીમાં વાઘનખની મદદથી અફઝલ ખાનનો વધ કર્યો હતો. આ વાઘનખ અત્યારે લંડનમાં છે, જે ૧૬ નવેમ્બરે મુંબઈ લાવવામાં આવશે. વાઘનખ મુંબઈ આવે એ પહેલાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. વાઘનખ શિવાજીના છે કે નહીં એનો વિવાદ ઊભો થયો છે. આદિત્ય ઠાકરેએ રાજ્ય સરકારની મનસા પર સવાલ કર્યા છે ત્યારે બીજેપીના પ્રવક્તા લક્ષ્મણ ઢોબળેએ ઠાકરે પિતા-પુત્ર પર જોરદાર હુમલો કર્યો છે.

લક્ષ્મણ ઢોબળેએ કહ્યું હતું કે ‘શિવાજી મહારાજના નામે માતોશ્રી એક, માતોશ્રી બે બનાવનારા આજે વાઘનખ પર શંકા કરી રહ્યા છે. વિધાનસભ્યો અને સાંસદો છોડી ગયા હોવાથી ઠાકરે પિતા-પુત્ર ઊંઘમાં પડખાં ફેરવે છે અને ઘમંડમાં રાચી રહ્યા છે. સરકારને વગર કારણે બદનામ કરનારાઓમાં દહેશત ઊભી થાય એ માટે વાઘનખ મહારાષ્ટ્રમાં લાવવામાં આવી રહ્યા છે. શિવસેનાના નામે તમે ‍ચોરી જ કરી છે, આંતરરાષ્ટ્રીય ચોર તરીકે તમારો ઉલ્લેખ છે. શિવાજી મહારાજના આ વાઘનખનો ઉપયોગ નહીં થાય, પણ તમારામાં દહેશત રહેશે.’

વાઘનખ‍થી નકલી વાઘ કેમ પરેશાન?
છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ લંડનથી ભારત આવી રહ્યા છે એના પર ઠાકરે પિતા-પુત્ર અને સંજય રાઉત દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ વિશે બીજેપીના મુંબઈ અધ્યક્ષ ઍડ્. આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘વાઘનખ ભારત આવી રહ્યા હોવાનું જાણ્યા બાદ નકલી વાઘ કેમ પરેશાન થઈ ગયા છે? છત્રપતિના વંશજો પાસે પુરાવા માગનારાઓ હવે વાઘનખના પુરાવા માગી રહ્યા છે. અમને શિવાજી મહારાજના સમયની જે વસ્તુઓ છે એ પ્રિય છે, અમારા માટે વંદનીય છે. આ વાતથી પરેશાન ઔરંગઝેબની વૃત્તિ માથું ઊંચકી રહી છે. મહારાજના પરાક્રમના પુરાવા માગવામાં આવી રહ્યા છે. આદુ બાળકે સ્કૂલનાં પુસ્તકો સિવાય બીજું કંઈ વાંચ્યું નથી શું? તેમને વાઘ નખ ડંખ મારી રહ્યા છે અને પેન્ગ્વિન લઈને તેઓ ગામમાં નાચી રહ્યા છે. પબની અંદરનો થરથરાટ કોઈ બહાર કરે ખરું? અફઝલ ખાન તમારો સગો થાય છે?’

એમએનએસએ મારપીટ કરી
કલ્યાણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકરોએ ગઈ કાલે પરપ્રાંતીય ફેરિયાની મારપીટ કરી હોવાની ઘટના બની હતી. મારપીટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થવાથી મામલો ગરમાયો હતો. વાશિંદમાં રહેતો એક વિદ્યાર્થી કલ્યાણમાં કોઈક કામથી આવ્યો હતો. તેણે કલ્યાણ રેલવે સ્ટેશન પાસેના સ્કાયવૉક પર બેસેલા એક ફેરિયા પાસેથી એક વસ્તુ ખરીદી હતી. એ વસ્તુ ખરાબ હોવાનું ધ્યાનમાં આવતાં વિદ્યાર્થી પરપ્રાંતીય ફેરિયા પાસે ગયો હતો અને વસ્તુ બદલવાનું કહ્યું હતું. ફેરિયાએ આમ કરવાની ના પાડતાં એમએનએસના કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચીને ફેરિયાની મારપીટ કરી હતી.

ઇન્ડિયાના કાર્યકરોનું આંદોલન
મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે ગઈ કાલે ઇન્ડિયા સંગઠનના કાર્યકરોએ મુંબઈમાં પદયાત્રા કાઢી હતી. ‘મૈં ભી ગાંધી’ નામની આ પદયાત્રામાં કાર્યકરો અને પોલીસ આમનેસામને આવી જવાથી મામલો બીચક્યો હતો. પોલીસે કાર્યકરોની ધરપકડ કરવાની શરૂઆત કરતાં આક્રમક થયેલા કાર્યકરોએ રસ્તામાં બેસીને આંદોલન શરૂ કરી દીધું હતું. મેટ્રો સિનેમા પાસેથી ફૅશન સ્ટ્રીટ સુધીના વિસ્તારમાં ઇન્ડિયા સંગઠનના કાર્યકરોએ ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું હતું. મોરચો કાઢવા માટે પોલીસે પરવાનગી આપી ન હોવા છતાં કાર્યકરોએ મોરચો કાઢ્યો હતો એટલે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. પોલીસની કાર્યવાહીના વિરોધમાં ઇન્ડિયા સંગઠનના કાર્યકરોએ ગાંધીજીના પૂતળાને રસ્તાની વચ્ચે ઊભું રાખી દીધું હતું અને રઘુપતિ રાઘવ રાજારામ ભજન ગાવા લાગ્યા હતા. 

shiv sena bharatiya janata party shivaji maharaj aaditya thackeray maharashtra mumbai mumbai news