28 December, 2023 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બીજેપી-એકનાથ શિંદેની સરકારમાં અજિત પવારની આગેવાનીમાં એનસીપીનું જૂથ સામેલ થયું હતું ત્યારે સત્તાધારી બીજેપી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથમાં અસ્વસ્થતા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. એમાં પણ પુણેના પાલક પ્રધાનના મુદ્દે બીજેપીમાં ખૂબ નારાજગી જોવા મળી હતી, કારણ કે એ સમયે બીજેપીના પ્રધાન ચંદ્રકાંત પાટીલ આ પદ પર હતા. આની સામે અજિત પવાર પુણેનું પાલક પ્રધાનપદ મેળવવાની હઠ પકડીને બેઠા હતા ત્યારે બીજેપીમાં પડદાની પાછળ ભારે નારાજગી જોવા મળી હોવા છતાં અજિત પવારને પુણેના પાલક પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ચંદ્રકાંત પાટીલને પુણેને બદલે સોલાપુર અને અમરાવતીની જવાબદારી સોંપવામાં આવી હતી. આટલું થયા બાદ પણ બીજેપી અને એકનાથ શિંદે જૂથના પુણે જિલ્લા નિયોજન સમિતિના સભ્યોએ અજિત પવાર જૂથ સામે આક્રમક ભૂમિકા લીધી છે. આથી આગામી સમયમાં રાજકીય મહાભારત શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે.
અજિત પવાર સામે બીજેપી અને એકનાથ શિંદે જૂથના જિલ્લા નિયોજન સમિતિના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. અજિત પવાર પુણેના પાલક પ્રધાન બન્યા બાદ બીજેપી અને શિંદે જૂથના પદાધિકારીઓએ સૂચવેલા કામની યાદીમાં મોટા પ્રમાણમાં કાતર ફેરવવામાં આવી છે અને અજિત પવાર તેમના જૂથના લોકોને વધુ મહત્ત્વ આપી રહ્યા હોવાનો આરોપ બીજેપીના જિલ્લા નિયોજન સમિતિના સભ્યોએ કર્યો છે. જિલ્લા નિયોજન સમિતિની બેઠકમાં કોઈ પણ આયોજન વગર ૮૦૦ કરોડ રૂપિયાનાં કામ મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામ રદ કરવા માટેનું નિવેદન સમિતિએ પુણેના કલેક્ટર રાજેશ દેશમુખને આપ્યું છે. આથી સત્તાધારી પક્ષો વચ્ચે જ મહાસંગ્રામ શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે.
આજે કૉન્ગ્રેસ નાગપુરમાં ચૂંટણીપ્રચારની શરૂઆત કરશે
આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત કૉન્ગ્રેસ આજે નાગપુરમાં ‘હૈં તૈયાર હમ’ સભાથી કરશે, જેમાં કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ સામેલ થશે. આજે કૉન્ગ્રેસનો ૧૩૯મો સ્થાપના દિવસ છે.
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આ વિશે કહ્યું હતું કે ‘ભારતના લોકો માટે આ એક એતિહાસિક સભા હશે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સભાને સંબોધશે. નાગપુરમાં આયોજિત ‘હૈં તૈયાર હમ’ થીમ સાથેની સભાથી દેશભરમાં સારો સંદેશ જશે. આ સભાથી લોકસભાની ચૂંટણીની શરૂઆત કરવામાં આવશે.’
નાગપુરમાં આરએસએસનું મુખ્યાલય અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે બુદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો એની દીક્ષાભૂમિ આવેલી છે એટલે કૉન્ગ્રેસની અહીં આયોજિત કરવામાં આવેલી સભાનું મહત્ત્વ વધી જાય છે. નાગપુરના દિઘોરીમાં વિશાળ સભાની તૈયારીઓ માટે સખત મહેનત કરવામાં આવી રહી છે. નાના પટોલેએ વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે દેશ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કૉન્ગ્રેસ મેદાનમાં ઊતરે છે અને દેશમાં મોટો બદલાવ થાય છે. આવી જ રીતે નાગપુરની સભાથી દેશમાં મોટું પરિવર્તન થશે. ૧૪ જાન્યુઆરીથી રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ‘ભારત ન્યાયયાત્રા’ની શરૂઆત થશે.’
લોકસભાની ચૂંટણીમાં ફડણવીસ રોજ ત્રણ સભા સંબોધશે
લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે મહારાષ્ટ્ર બીજેપી દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાથી પક્ષના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દરરોજ ત્રણ સભાને સંબોધન કરશે. આ માટેનું ટાઇમટેબલ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. રાજ્યમાં બીજેપીએ ૪૫થી વધુ લોકસભા બેઠક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એબીપી-સી વોટર સર્વેમાં સત્તાધારી મહાયુતિ કરતાં મહાવિકાસ આઘાડીને લોકસભામાં વધુ બેઠક મેળવવાનો સંકેત આપવામાં આવ્યો છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું દરેક સર્વેનું સન્માન કરું છું, પણ કોઈ પણ સર્વેમાં માત્ર મોદીની જ હવા જોવા મળશે. જનતાએ નક્કી કર્યું છે મોદીને જ ચૂંટી લાવવાનું. આથી અમે રાજ્યમાં પણ ૪૦ કરતાં વધુ બેઠકો મેળવીશું.