19 December, 2024 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ શિંદે
રાજ્યની નવી સરકારમાં વિધાનસભાના સ્પીકર તરીકે કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરની બિનવિરોધ નિયુક્તિ થયા બાદ હવે આવતી કાલે વિધાનપરિષદના ચૅરમૅનની ચૂંટણી છે. જોકે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી રામ શિંદેએ જ નૉમિનેશન ફૉર્મ ભર્યું હોવાથી તેમની પણ આ પદ પર બિનહરીફ વરણી થવાની છે. આજે એની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
રામરાજે નાઈક નિમ્બાળકરની ૨૦૨૨માં મુદત પૂરી થયા બાદ આ પદ ખાલી પડ્યું છે. અત્યાર સુધી એકનાથ શિંદેની શિવસેનાનાં નેતા નીલમ ગોર્હેને ઍક્ટિંગ ચૅરપર્સનનો ઍડિશનલ ચાર્જ આપવામાં આવ્યો છે. વિધાન પરિષદના ચૅરમૅનપદે પોતાના નેતાને બેસાડવાની એકનાથ શિંદેની ઇચ્છા હતી, પણ વિધાનપરિષદમાં BJPનું સંખ્યાબળ હોવાથી તેમની આ ઇચ્છા પૂરી ન થઈ શકી.
રામ શિંદે અત્યારે વિધાન પરિષદના સભ્ય છે. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કર્જત-જામખેડ બેઠક પરથી શરદ પવારની પાર્ટીના રોહિત પવાર સામે ૧૨૮૩ મતથી હાર્યા હતા. ૨૦૧૯માં પણ તેમનો રોહિત પવાર સામે પરાજય થયો હતો. જોકે ૨૦૧૪માં તેઓ આ બેઠક પરથી વિધાનસભ્ય બન્યા હતા.