16 December, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજા મુંડે અને ધનંજય મુંડે
મહારાષ્ટ્રના રાજકારણમાં એકબીજાને હરાવવા માટેના તમામ પ્રયાસ કરનારાં બીડનાં ભાઈ-બહેન ધનંજય મુંડે અને પંકજા મુંડે મહાયુતિની સરકારમાં કૅબિનેટ પ્રધાન બન્યાં છે. પંકજા મુંડેએ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી તો ધનંજય મુંડેએ અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી ગઈ કાલે નાગપુરમાં કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. ધનંજય મુંડે અગાઉ પણ પ્રધાન રહી ચૂક્યા છે, જ્યારે પંકજા મુંડે પહેલી વખત રાજ્ય સરકારનાં પ્રધાન બન્યાં છે. એક સમયે એકબીજાનાં કટ્ટર વિરોધી ભાઈ-બહેન આથી હવે એક જ સરકારમાં પ્રધાન બન્યાં છે. બીડની પરળી વિધાનસભામાં ૨૦૧૪માં પંકજા મુંડેએ ધનંજય મુંડેને હરાવ્યા હતા જેનો બદલે ધનંજય મુંડેએ પંકજાને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં હરાવીને લીધો હતો. જોકે આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ધનંજય મુંડેએ પંકજાને વિજયી બનાવવા માટેની જવાબદારી લીધી હતી, પરંતુ પંકજાનો પરાજય થતાં તેમને વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યાં છે.