મુંબઈમાં બીજેપીનું મિશન મરાઠી

05 March, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠીઓને આકર્ષવા ‘જાણતા રાજા’ના છ દિવસ શો આયોજિત કરશે : શિવાજી પાર્કમાં ૧૪થી ૧૯ માર્ચ દરમ્યાન છત્રપ‌તિ શિવાજી મહારાજના જીવનચરિત્ર પર આધારિત ડ્રામામાં દરરોજ ૧૦,૦૦૦ લોકોની વ્યવસ્થા કરાશે

મુંબઈમાં બીજેપીનું મિશન મરાઠી

મુંબઈ : બીજેપીએ છત્રપતિ ‌શિવાજી મહારાજના જીવન પર આધારિત મહાનાટ્ય ‘જાણતા રાજા’ના દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં છ દિવસ શો આયોજિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ‘શિવચરિત્ર’ની ઉજવણી કરવા માટેના ૧૪થી ૧૯ માર્ચ દરમ્યાનના આ આયો‌જનમાં દરરોજ ૧૦,૦૦૦ હજાર લોકો આ મરાઠી શો જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું બીજેપીના મુંબઈ અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે જણાવ્યું હતું. આ મહાનાટ્યના શોનું આયોજન કરીને બીજેપી દ્વારા મરાઠી લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.

મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર મહારાષ્ટ્ર ભૂષણ શિવસાહિર બાબાસાહેબ પુરંદરે દ્વારા લખવામાં આવેલું મહાનાટક ‘જાણતા રાજા’ મુંબઈમાં રહેતા મરાઠીઓ ફ્રીમાં જોઈ શકે એ માટેનું આયોજન ૧૪થી ૧૯ માર્ચ દરમ્યાન શિવાજી પાર્કના મેદાનમાં દરરોજ સાંજે કરવામાં આવ્યું છે. આ શો માટેની ફ્રી ટિકિટ ૯ માર્ચથી દાદરના શિવાજી મંદિર નાટ્યગૃહ, બોરીવલીના પ્રબોધનકાર ઠાકરે નાટ્યમંદિર, વિલે પાર્લેના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, મુલુંડના કાલિદાસ નાટ્યમંદિર અને પરેલમાં આવેલા દામોદર નાટ્યગૃહમાંથી મેળવી શકાશે. દરરોજ ૧૦,૦૦૦ લોકો આ ડ્રામા માણી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.’

મુંબઈ-ગોવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે

ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ક્રેઝ વધી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મુંબઈ અને ગોવા વચ્ચે ટૂંક સમયમાં આ સેમી હાઈ-સ્પીડ એક્સપ્રેસ શરૂ કરવાની જાહેરાત ગઈ કાલે રેલવેના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કરી હતી. મુંબઈ-ગોવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માગણી સાથે બીજેપીના વિધાન પરિષદના સભ્ય નિરંજન ડાવખરેની આગેવાનીના પ્રતિનિધિમંડળે રાવસાહેબ દાનવેની શુક્રવારે મુલાકાત કરી હતી. આ સમયે કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવેપ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે ‘મુંબઈ-ગોવા રેલવે રૂટનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરું થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં આ રૂટ પર લોકપ્રિય બની રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થશે.’

૫૦૦ કરોડના કૌભાંડમાં ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિ જેલમાં જશે?

બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા નેતા રવીન્દ્ર વાયકર પર ગંભીર આરોપ મૂક્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આરોપ કર્યો હતો કે ‘રવીન્દ્ર વાયકરે મુંબઈ મહાનગરપાલિકાની બે લાખ ચોરસ ફીટ જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે અને અહીં ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતની ફાઇવસ્ટાર હોટેલ બનાવાઈ રહી છે. રવીન્દ્ર વાયકરે માતોશ્રી સ્પોર્ટ્સ ટ્રસ્ટ અને સુપ્રીમો બૅન્ક્વેટના નામે સેંકડો કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પરના વ્યારવલી ગામમાં આ જમીન આવેલી છે જેમાં અત્યારે હોટેલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમણે મુંબઈની જનતા માટે આરક્ષિત ક્રીડાંગણ અને ગાર્ડનની જગ્યા પર સુપ્રીમો કંપની દ્વારા સુપ્રીમો બૅન્કવેટ હૉલ બાંધ્યો હતો. અહીંના બાગની રેડી રેકનર અનુસાર કિંમત ચાર કરોડ રૂપિયાની હતી, પણ રવીન્દ્ર વાયકરે માત્ર ત્રણ લાખ રૂપિયામાં એ ખરીદી કરી હતી. છેલ્લાં અનેક વર્ષથી આ બૅન્ક્વેટ હૉલમાં લગ્ન, પાર્ટી સહિતના ગેરકાયદે વ્યવહાર તેઓ કરી રહ્યા છે.’

કિરીટ સોમૈયાએ મુંબઈ મહાનગરપાલિકા, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, નગર વિકાસ વિભાગને આ હોટેલનું બાંધકામ તાત્કાલિક રીતે રોકવાની માગણી કરતા પત્રો લખ્યા છે. તેમના આ ગંભીર આરોપ બાદ ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતા રવીન્દ્ર વાયકર જેલમાં જશે એવો સવાલ ઊભો થયો છે.

mumbai mumbai news bharatiya janata party