BJPએ તૈયાર કર્યો પ્લાન B મહારાષ્ટ્રમાં સત્તા ટકાવી રાખવા

10 September, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીમાં જે બૂથ પર ઓછા મત મળ્યા હતા ત્યાં મતદાન વધારવાના પ્રયાસ કરવામાં આવશે

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેમણે BJPને વિજયી બનાવવા માટે બૂથ-લેવલ પર મતદાન વધારવા માટેનું પ્લાનિંગ કર્યું હતું, જેને લીધે ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJPને વધુ બેઠકો મળી હતી. જોકે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં BJPને મોટું નુકસાન થયું હતું, જેને લીધે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સાથે અમિત શાહે ફરી મહારાષ્ટ્રમાં ધ્યાન આપવા માંડ્યું છે અને બે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે પ્લાન B બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રો મુજબ મહાયુતિમાં સામેલ શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) ઉપર બહુ આધાર રાખવાને બદલે BJPએ અત્યારે અને અગાઉ જે બેઠકોમાં વિજય મેળવ્યો હતો એના પર ફોકસ કરીને વધુ પ્રમાણમાં મતદાન થાય એ માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે.

BJPએ દરેક બૂથને ત્રણ કૅટેગરીમાં વિભાજિત કર્યું છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં BJPને સતત ૬૯ ટકાથી વધુ મત મળ્યા હોય એ બૂથને A કૅટેગરી, ૪૦થી ૬૦ ટકા મત મળ્યા હોય એને B કૅટેગરી અને ૪૦ ટકાથી ઓછા મત મળ્યા હોય એવા બૂથને C કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં BJPના મત તૂટવાને લીધે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આથી BJPના વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠકો ટકાવી રાખવાની સાથે ૪૦થી ૬૦ ટકા મત મળ્યા હોય એવી અને ૪૦ ટકાથી ઓછું મતદાન થયું હોય એવી બેઠકો પર ફોકસ કરવામાં આવ્યું છે અને પક્ષના પદાધિકારીઓની સાથે RSSના કાર્યકરોને મતદાન વધારવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. 

mumbai news mumbai bharatiya janata party maharashtra assembly election 2024 political news amit shah