30 January, 2025 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના વિધાનસભ્ય સુરેશ ધસે ધનંજય મુંડે પર મૂક્યો ગંભીર આરોપ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ધસે ગઈ કાલે બીડના ભૂતપૂર્વ પાલક પ્રધાન ધનંજય મુંડે પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ કર્યો હતો. આથી બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં ફસાયેલા ધનંજય મુંડેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુરેશ ધસે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘૨૦૨૧થી ૨૦૨૨ દરમ્યાન રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર હતી. એ સમયે બીડના પાલક પ્રધાન ધનંજય મુંડે હતા.
કોરોના મહામારીના સમયે પરળી, આંબેજોગાઈમાં કોઈ પણ કામ કર્યા વિના ખોટાં બિલ બનાવીને ૭૩ કરોડ રૂપિયા ધનંજય મુંડેએ હડપ્યા હતા. આમાંથી ૩૭ કરોડ ૭૦ લાખ રૂપિયાનાં એકસાથે ખોટાં બિલ મંજૂર કરવામાં આવ્યાં હતાં. એ સમયે સંજય મુંડે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા જે પરળીમાં પણ ડેપ્યુટી એન્જિનિયર તરીકે કાર્યરત હતા. કલેક્ટર પાસેથી ફન્ડ જિલ્લા પરિષદમાં મોકલવામાં આવતું હતું. બાદમાં આ રૂપિયા સાર્વજનિક બાંધકામ વિભાગમાં જતા હતા. બાદમાં બોગસ બિલ બનાવીને કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી.’