૧૯ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જયંતી છે તો તેઓ પણ પનોતી?

23 November, 2023 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધી નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લીધે ભારત વર્લ્ડ કપની મૅચ હાર્યું હોવાની ટીકા કરી રહ્યા છે ત્યારે બીજેપીએ કૉન્ગ્રેસને સવાલ કર્યો

ઇન્દિરા ગાંધીની ફાઇલ તસવીર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીને લીધે ભારત હાર્યું છે એટલે વડા પ્રધાન પનોતી છે એવી વિચિત્ર વાત કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધી નેતાઓ ફેલાવી રહ્યા છે ત્યારે બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે કહ્યું હતું કે ૧૯ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જયંતી છે અને તેમના જન્મદિવસે ભારત હાર્યું હતું તો તેઓ પણ પનોતી છે?

નીતેશ રાણેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉતને કૉન્ગ્રેસના નોકર ગણાવતાં કહ્યું હતું કે ‘સવાર-સવારના ૯૦ એમએલ વ્હિસ્કી મારીને સંજય રાઉત કંઈ પણ બોલે છે. આજે સવારે નૅશનલ હેરલ્ડ સામે કરવામાં આવેલી કાર્યવાહી સંબંધે તેમણે રાહુલ ગાંધીની તરફેણમાં વાત કરી હતી. આથી લાગી રહ્યું છે કે ૧૦ જનપથને નવો નોકર મળ્યો છે. ૧૯ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મજયંતી હતી તો ભારત વર્લ્ડ કપની મૅચ કેમ ન જીત્યું? તો ખરી પનોતી કોણ? નરેન્દ્ર મોદી એટલે રાષ્ટ્રપિતા. જે આપણા દેશના નથી તે રાહુલ ગાંધીને દેશપ્રેમ ક્યારેય નહીં સમજાય.’

નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ગઈ કાલે કહ્યું હતું કે ‘ભ્રષ્ટ અને પાપી લોકો જ વડા પ્રધાન વિશે હલકું વિચારી શકે છે. વડા પ્રધાન સામાન્ય જનતાના મસીહા છે. તેમની ૨૦૨૪થી ૨૦૨૯ સુધીની વડા પ્રધાન તરીકેની ત્રીજી ટર્મ દેશ માટે ખૂબ મહત્ત્વની રહેશે. તેઓ દેશની રક્ષા કરવાની સાથે દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. તેમને પનોતી કહેવા એ અત્યંત હલકી માનસિકતા દર્શાવે છે.’

સાડાત્રણ કરોડ કૅશ સાથે વિદેશ કેવી રીતે જવાય?
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ચીનના મકાઉના કસીનોમાં જુગાર રમીને સાડાત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનો સંજય રાઉતે દાવો કર્યો હતો. એ વિશે ગઈ કાલે ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘એક ફોટોથી કોઈની ઇમેજ બગાડવાનો પ્રયાસ કરવાથી ખાસ કોઈ ફરક નથી પડતો. હું હૉન્ગકૉન્ગ પરિવાર સાથે ગયો હતો. અહીં દરેક હોટેલમાં કસીનો છે. અમે કસીનોમાંથી પસાર થતા હતા ત્યારે કોઈકે ફોટો ખેંચ્યો હતો, જે વાયરલ કરવામાં આવ્યો છે. સાડાત્રણ કરોડ રૂપિયા કૅશ સાથે ભારતની બહાર જવાનું શક્ય છે? એક લાખ રૂપિયા સાથે રાખીએ તો પણ ત્રણ વખત તપાસ થાય છે. હૉન્ગકૉન્ગમાં મારા કોઈ મિત્ર નથી અને ત્યાં મારા રૂપિયા પણ નથી.’

વિઠ્ઠલ રુક્મિણીની પૂજા દેવેન્દ્ર ફડણવીસ કરશે
પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં કાર્તિક મહિનાની એકાદશીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા પૂજા કરવાની પરંપરા છે. આ વખતે જોકે સકલ મરાઠા સમાજે મરાઠા આરક્ષણ સહિતના મુદ્દાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો કોઈને અહીં પૂજા નહીં કરવા દેવાય એવી ચીમકી ઉચ્ચારી હતી એટલે આ વખતે કાર્તિક અગિયારસે પરંપરાનો ભંગ થશે? એવો સવાલ ઊભો થયો હતો. રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને સકલ મરાઠા સમાજના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરીને તેમની પાંચ માગણી માન્ય કરી હતી. આથી તેમણે આંદોલન પાછું ખેંચી લીધું છે. રાજ્યમાં અત્યારે બે નાયબ મુખ્ય પ્રધાન છે તો એમાંથી કોણ અહીં પૂજા કરશે એવો પ્રશ્ન થયો હતો. જોકે ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અજિત પવાર કરતાં સરકારમાં સિનિયર છે એટલે તેઓ પત્ની સાથે આજે વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં પૂજા કરશે. 

world cup indian cricket team congress rahul gandhi bharatiya janata party narendra modi maharashtra mumbai mumbai news