12 February, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ
દસ દિવસ પહેલાં ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના કલ્યાણના નેતા મહેશ ગાયકવાડ પર બીજેપીના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે કરેલા ફાયરિંગના મામલામાં પોલીસે વિધાનસભ્યના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે આ કેસનો છઠ્ઠો આરોપી વિધાનસભ્યનો પુત્ર છે એ વૈભવ ગાયકવાડનો પત્તો પોલીસ નથી મેળવી શકી.
શિવસેનાના કલ્યાણના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવાના મામલામાં પોલીસે શનિવારે બીજેપીના આરોપી વિધાનસભ્ય ગણપત ગાયકવાડના ડ્રાઇવર રણજિત યાદવની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે ફાયરિંગના આ કેસમાં પાંચમા આરોપીને ઝડપી લીધો છે. આરોપીને પોલીસે ઉલ્હાસનગર કોર્ટમાં રજૂ કરીને ૧૪ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી.
વિધાનસભ્ય ગણપત ગાયકવાડ
હત્યાના પ્રયાસના આ કેસનો છઠ્ઠો આરોપી વિધાનસભ્ય ગણપત ગાયકવાડનો પુત્ર વૈભવ છે, જે દસ દિવસથી પલાયન છે. તેને પોલીસ શોધી રહી છે, પણ તે હાથ નથી આવી રહ્યો. ક્રાઇમ બ્રાન્ચ પણ સમાંતર તપાસ કરી રહી છે. પોલીસે આ મામલામાં અગાઉ વિધાનસભ્ય ગણપત ગાયકવાડ, હર્ષલ કેણે, વિકી ગણાત્રા વગેરે આરોપીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ફાયરિંગના આ કેસમાં પોલીસે જેના પર ગોળીબાર કરવામાં આવ્યો છે એ મહેશ ગાયકવાડ સહિત તેના ૭૦ સાથીઓ સામે જબરદસ્તીથી જમીન હડપવાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહેશ ગાયકવાડને છ ગોળી વાગ્યા બાદ પણ તે બચી ગયો હતો અને અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.