06 December, 2024 09:11 AM IST | Mumbai | Sameer Surve
૨૦૨૨ની ૯ માર્ચે મુંબઈ સુધરાઈના નગરસેવકોની મુદત પૂરી થઈ ગઈ છે, પણ બે વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. સુધરાઈના અધિકારીઓને આશા છે કે આવતા વર્ષે ચૂંટણી યોજાઈ શકે એમ છે.
મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત મહાયુતિ ૨૭,૩૩૪ કરોડ રૂપિયાના ચાર માળખાકીય પ્રોજેક્ટોને આગળ ધરીને આગળ વધવા માગી રહી છે. આ પ્રોજેક્ટોમાં સૌથી મહત્ત્વાકાંક્ષી ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના વર્સોવા-દહિસર લિન્ક રોડ (VDLR)નો સમાવેશ છે. આ પ્રોજેક્ટને પર્યાવરણ ખાતાની મંજૂરી મળી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ મંજૂરી પણ મળી ગઈ છે.
૨૦૨૨ની ૯ માર્ચે મુંબઈ સુધરાઈના નગરસેવકોની મુદત પૂરી થઈ ગઈ છે, પણ બે વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. સુધરાઈના અધિકારીઓને આશા છે કે આવતા વર્ષે ચૂંટણી યોજાઈ શકે એમ છે.
બીજા પ્રોજેક્ટમાં દહિસર-મીરા રોડ લિન્ક રોડ (DMRLR)નો સમાવેશ છે. આ પ્રોજેક્ટને પણ પર્યાવરણ ખાતાની મંજૂરી મળી ગઈ છે, પણ હવે કોર્ટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૩૩૦૪ કરોડ રૂપિયા છે.
VDLR અને DMRLR નરીમાન પૉઇન્ટથી પાલઘર સુધીના હાઈ સ્પીડ કૉરિડોરનો ભાગ છે. ૧૮.૪૭ કિલોમીટરનો VDLR પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પાંચ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. એને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) સાથે પણ કનેક્ટ કરવામાં આવશે. DMRLR મુંબઈથી ગુજરાત જવા માટે દહિસર-વેસ્ટમાં આવેલા ટોલ-નાકા પરથી પાસ થવાને બદલે નવો વિકલ્પ પૂરો પાડશે.
બીજા બે પ્રોજેક્ટમાં ૧૩૦૩ કરોડ રૂપિયાના ૫.૪ કિલોમીટરના ઑરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનો સમાવેશ છે. આ રોડ ગ્રાન્ટ રોડથી પી. ડીમેલો રોડ સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસવે સુધીના પ્રવાસ માટે સિગ્નલ-ફ્રી ઍક્સેસ આપશે. અન્ય એક પ્રોજેક્ટમાં ૩૨૪૬ કરોડ રૂપિયાના વર્સોવા અને મઢ આઇલૅન્ડ વચ્ચે બે કિલોમીટર લાંબા કેબલ-સ્ટેઇડ બ્રિજનો સમાવેશ થાય છે. હાલમાં આ માર્ગ પર ફેરીથી પ્રવાસ કરવો પડે છે અને રાતે એ ઉપલબ્ધ હોતી નથી.