સુપ્રિયા સુળેના વિજયમાં અમારો (એટલે કે BJPનો) અદૃશ્ય હાથ હતો

08 October, 2024 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ પવારની પાર્ટીમાં જોડાતાં જ હર્ષવર્ધન પાટીલે કહ્યું : બારામતીમાં શું BJPએ જ અજિત પવારની ગેમ કરી હતી એવો સવાલ ઊભો થયો

હર્ષવર્ધન પાટીલે ગઈ કાલે શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો હતો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સહકાર પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હર્ષવર્ધન પાટીલે ગઈ કાલે શરદ પવારની હાજરીમાં મહારાષ્ટ્રના ઇન્દાપુરમાં આયોજિત કાર્યક્રમમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)માં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરવાની સાથે જ હર્ષવર્ધન પાટીલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સુપ્રિયા સુળેના વિજયમાં અમારો (BJPનો) અદૃશ્ય હાથ હતો. સંસદસભ્ય સુપ્રિયા સુળે અમારાં બહેન છે એનો ગર્વ છે. તેઓ ત્રણ વખત સંસદસભ્ય બન્યાં હતાં એમાં પણ BJPનો થોડોઘણો સહયોગ હતો. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને ફરી વિજયી બનાવવા માટે BJPએ શક્ય એટલી પાછલે બારણેથી મદદ કરી હતી.’

આનો અર્થ એ થાય છે કે લોકસભાની ચૂંટણીમાં BJPએ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને બદલે સુપ્રિયા સુળેને મદદ કરી હતી. આવું કરીને અજિત પવારની ગેમ કરવામાં આવી હતી એવો સવાલ ઊભો થાય છે.

શરદ પવારે કરી પહેલા ઉમેદવારની જાહેરાત

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે શરદ પવારે ગઈ કાલે હર્ષવર્ધન પાટીલના પક્ષપ્રવેશ વખતના ભાષણમાં લોકોને અપીલ કરી હતી કે ‘હર્ષવર્ધન પાટીલે કહ્યું છે કે મને કોઈ કામ આપો, જવાબદારી આપો. પક્ષ અને જનતા માટે કામ કરવું હોય તો ચૂંટણીના મેદાનમાં ઊતરવું જરૂરી છે. જનતાનું જીવન બદલવા માટે હર્ષવર્ધન પાટીલને તમે વિધાનસભામાં મોકલો.’ આમ કહીને શરદ પવારે વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી ન થઈ હોવા છતાં પહેલા ઉમેદવારની આડકતરી રીતે જાહેરાત કરી દીધી છે.

supriya sule sharad pawar nationalist congress party maharashtra assembly election 2024 maharashtra news mumbai mumbai news