૨૦૨૪માં મહાયુતિની સરકાર આવશે જ, પણ ૨૦૨૯માં એકલે હાથે BJPની સરકાર લાવવી છે

02 October, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મુંબઈમાં અમિત શાહે કહ્યું...

ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં BJPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતા અમિત શાહ.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે બપોરે દાદરના યોગી સભાગૃહ અને સાંજે નવી મુંબઈના વાશીમાં આવેલા CIDCO કન્વેન્શન સેન્ટરમાં બેઠક કરી હતી. સંગઠન પર ભાર મૂકતાં અમિત શાહે દાદરની સભામાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘કામ કરીએ તો વિવાદ થાય જ, પણ આ વિવાદ ખતમ થવો જોઈએ. જે સંગઠનમાં મતભેદ હોય, જુદી-જુદી દિશામાં કામ થતું હોય એ સંગઠન ક્યારેય સફળ નથી થતું. ચૂંટણી પહેલાં આપણે બધાએ સૌથી પહેલું કામ મતભેદ દૂર કરવાનું છે. ૨૦૨૪માં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવશે એમાં કોઈ શંકા નથી, પણ આપણે ૨૦૨૯માં એકલે હાથે BJPની સરકાર બનાવવાની છે. મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિની સરકાર બનાવવા માટે આપણી વિચારધારા ધરાવતા મતદારોને મતદાન માટે ઉતારો. દરેક બૂથ પર ઓછામાં આછા ૨૦ લોકોને BJPના સભ્ય બનાવો. સભ્ય બનાવતી વખતે લોકો પાસેથી મત ન માગો. સભ્ય બન્યા પછી લોકોને આપોઆપ મતદાનનું મહત્ત્વ સમજાશે.’

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં થયેલા મતદાન વિશે અમિત શાહે કહ્યું હતું કે ‘રાજ્યની છ લોકસભા બેઠક એવી છે જેની છમાંથી પાંચ વિધાનસભામાં BJPને બહુમત હતો. માત્ર એક બેઠકમાં બહુમત હોવા છતાં વિરોધીઓ આ બેઠક આપણી પાસેથી આંચકી ગયા. વિધાનસભાની ચૂંટણીમાં આપણે છમાંથી પાંચ બેઠક મેળવીશું અને વિરોધીઓ એક જ બેઠક મેળવે એવી સ્થિતિ નિર્માણ કરો. મહારાષ્ટ્ર સરકારે જે યોજના લાગુ કરી છે એની માહિતી મંડલ અને વૉર્ડ સ્તર પર પહોંચાડો. આવું થશે તો ચોક્કસ આપણો જ વિજય થશે.’

mumbai news mumbai dadar bharatiya janata party political news amit shah maharashtra assembly election 2024