BJPના પ્રતિનિધિમંડળે મુખ્ય ઇલેક્શન કમિશનરને મળીને માગણી કરી કે.. મતદારયાદીમાંથી નામ ગાયબ થયાં એની તપાસ કરો

25 July, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણી-કમિશનરે મતદારયાદીમાં નામ નોંધાવવાના સમયમાં સાત દિવસનો વધારો કર્યો

પ્રતીકાત્મક તસવીર

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે જે મતદારોનાં નામ યાદીમાં હતાં એ ૨૦૨૪ની ચૂંટણીમાં ગાયબ થઈ ગયાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ નામ કેવી રીતે ગાયબ થયાં? કોના કહેવાથી કાઢી નાખવામાં આવ્યાં? આની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગણી ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી-કમિશનર રાજીવ કુમારની મુલાકાત વખતે કરી હતી. BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ BJPના અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલાર, સંસદસભ્ય હેમંત સાવરા, સંસદસભ્ય અનુપ ધોત્રે અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ મુખ્ય ચૂંટણી-કમિશનર રાજીવ કુમાર સાથે ગઈ કાલે એક કલાક બેઠક કરી હતી.

આશિષ શેલારે આ વિશે કહ્યું હતું કે ‘લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં મતદારયાદીમાં જેમનાં નામ હતાં એ તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ગાયબ થઈ ગયાં હોવાનું જણાયું છે. આ ગંભીર બાબત છે એટલે આની ઊંડાણથી તપાસ કરવાની માગણી અમે મુખ્ય ચૂંટણી-કમિશનરને કરી છે. મતદારયાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ ન થાય એના પર ધ્યાન રાખવાની જરૂરિયાત વિશે અમે ચર્ચા કરી હતી. મતદારયાદીમાં ૨૫ જુલાઈ સુધી નામ સામેલ કરવાની મુદતમાં વધારો કરવાની માગણી કરતાં કમિશનરે એમાં વધુ સાત દિવસ આપ્યા છે એટલે હવે બીજી ઑગસ્ટ સુધી મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકાશે. મુંબઈમાં અંદાજે ૧૧૦૦ હાઉસિંગ સોસાયટી છે. એમાં બૂથ ઊભાં કરવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.’

mumbai news mumbai Lok Sabha Election 2024 bharatiya janata party ashish shelar