11 February, 2023 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પીએમ નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત સમયે BJPએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઘેર્યા
મુંબઈ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મુંબઈની મુલાકાતે હતા ત્યારે જ મુંબઈ અને થાણે મહાનગરપાલિકામાં કરવામાં આવી રહેલા કથિત ભ્રષ્ટાચાર બાબતે બીજેપીના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં આયોજિત જાહેરસભામાં મુંબઈ બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલસિંહ ચહલનાં વખાણ કર્યાં હતાં. બીજેપીના જ વિધાનસભ્ય મિહિર કોટેચાએ મુંબઈ બીએમસીમાં બ્યુટિફિકેશન સહિતનાં કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો છે, જ્યારે બીજેપીના થાણેના વિધાનસભ્ય સંજય કેળકરે મુંબઈ બીએમસીમાં ભ્રષ્ટાચારની તપાસ થઈ શકતી હોય તો એકનાથ શિંદેના ગઢ થાણે બીએમસીમાં કેમ નહીં? એવો સવાલ કર્યો છે. મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલ મુખ્ય પ્રધાનનું કહ્યું જ કરે છે એની સામે પણ બીજેપીમાં નારાજગી હોવાનું કહેવાય છે.
બે દિવસ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા થાણેના વિધાનસભ્ય સંજય કેળકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે બીએમસીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર બાબતે એકનાથ શિંદેને નિશાન બનાવ્યા હતા. હવે બીજેપીના મુલુંડના બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ મુંબઈ બીએમસી પર સ્ટ્રીટ ફર્નિચરના કામકાજ માટે જારી કરવામાં આવેલા ૨૬૩ કરોડ રૂપિયાના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો છે. તેમણે આ સંબંધે બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલને પત્ર લખ્યો છે.
બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કમિશનર ઇકબાલસિંહ ચહલને લખેલા પત્રમાં આરોપ કર્યો છે કે મુંબઈ બીએમસીના અધિકારીઓ મુંબઈમાં અત્યારે ચાલી રહેલા સુશોભીકરણનાં કામો તેમના ખાસ લોકોને જ કૉન્ટ્રૅક્ટ આપી રહ્યા છે. આથી આ મામલે ઍન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવે. સ્ટ્રીટ ફર્નિચરના ૨૬૩ કરોડ રૂપિયાના ટેન્ડરમાં પહેલેથી જ કોને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવશે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે.
થાણેના બીજેપીના વિધાનસભ્ય સંજય કેળકરે બે દિવસ પહેલાં કહ્યું હતું કે મુંબઈ બીએમસીના ભ્રષ્ટાચારની તપાસ થઈ શકતી હોય તો થાણે બીએમસીની કેમ નહીં? અહીં પણ સુશોભીકરણ અને વિકાસના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બાબતે સંજય કેરકરનો થાણે બીએમસીના કમિશનર અભિજિત બાંગર સાથે ઝઘડો પણ થયો હતો.
મુંબઈ અને થાણે બીએમસીમાં થઈ રહેલા કથિત ભ્રષ્ટાચાર સંબંધે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કંઈ કહેતા નથી એ માટે બીજેપીના બે વિધાનસભ્યોએ આ મામલો ઉપાડ્યો છે. હકીકતમાં તેમણે બીએમસીને નામે આડકતરી રીતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર જ નિશાન તાક્યું છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સાત મહિના પહેલાં સરકાર બન્યા બાદ પહેલી વખત બન્ને નેતાઓ વચ્ચે સરકારી અધિકારીઓની નિયુક્તિ અને પ્રધાન મંડળના વિસ્તરણ બાબતે ખેંચતાણ થઈ રહી છે ત્યારે મુખ્ય પ્રધાનને બીજેપીના બે વિધાનસભ્યો ટાર્ગેટ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
વરલીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સભામાં દેવેન્દ્ર ફડણવીસ સહિત બીજેપીના કોઈ નેતા કે કાર્યકરો ન ફરતાં સભા નિષ્ફળ રહી હતી. આ વિશે એકનાથ શિંદે જૂથમાં બીજેપી સામે નારાજગી જોવા મળી રહી છે. જો કે કોઈ ખૂલીને બોલતું નથી. તેઓ વરલીના ફિયાસ્કાથી સાવધ થઈ ગયા હોવાનું કહેવાય છે.
સ્ટ્રીટ ફર્નિચરનો શું છે મામલો?
મુંબઈ બીએમસી દ્વારા સ્ટીલની કચરાપેટી, બેન્ચો, બોલર્ડ્સ, રેલ અને વૃક્ષો ફરતે ફેન્સિંગ વગેરે કામો માટે ૨૬૩ કરોડ રૂપિયાનું ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. હજી સુધી ટેન્ડર કોઈને ફાળવ્યું નથી ત્યારે બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ આ ટેન્ડર કોને મળશે એનો દાવો કર્યો છે. ટેન્ડર મેળવવા માટે ત્રણ કંપનીએ રસ દાખવ્યો છે, જેમાંથી બે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામકાજ કરે છે એને સ્ટ્રીટ ફર્નિચર પૂરા પાડવાનો કોઈ અનુભવ નથી એટલે ત્રીજી કંપનીને આપોઆપ ટેન્ડર ફાળવવામાં આવશે એવો દાવો કર્યો છે.