21 November, 2024 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા સુળે, નાના પટોલે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કહેવાતા બિટકૉઇન કૌભાંડમાં છત્તીસગઢના રાયપુરમાં આવેલી સાથી અસોસિએટ્સ નામની ઑડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતાનાં વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થવાના ૧૨ કલાક પહેલાં એટલે કે મંગળવારે મોડી રાતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદીએ શરદ પવારનાં પુત્રી અને સંસદસભ્ય સુપ્રિયા સુળે અને કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે પર ચૂંટણીનાં પરિણામને પ્રભાવિત કરવા માટે બિટકૉઇનની ગેરકાયદે લેવડદેવડના પૈસાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ કર્યો હતો. BJPએ દાવો કર્યો છે કે સુપ્રિયા સુળે અને નાના પટોલેએ બિટકૉઇનના વ્યવહાર થકી મેળવેલા રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં કર્યો છે.
શું છે મામલો?
પુણેમાં રહેતા ભૂતપૂર્વ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી રવીન્દ્રનાથ પાટીલે આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૮માં ક્રિપ્ટોકરન્સીના કૌભાંડમાં સુપ્રિયા સુળે અને નાના પટોલે સંકળાયેલાં હતાં અને આ કૌભાંડમાં મેળવવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો છે. IPS ઑફિસર અમિતાભ ગુપ્તાએ આ મામલે સુપ્રિયા સુળે અને નાના પટોલે સાથે વાત કરી હોવાની ઑડિયો-ક્લિપ BJPએ ગઈ કાલે બહાર પાડી હતી જેમાં સુપ્રિયા સુળે બિટકૉઇનના પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં કરવાનું કહી રહ્યાં હોવાનું સંભળાય છે. આ બન્ને નેતાઓએ ૧૫૦ કરોડ રૂપિયાના બિટકૉઇન વેચી નાખ્યા છે અને હજી પણ તેમની પાસે સેંકડો કરોડ રૂપિયાના બિટકૉઇન છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
BJPએ શું દાવો કર્યો?
BJPના રાજ્યસભાના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે ‘એક આરોપી બિટકૉઇન ડિલરે ભૂતપૂર્વ પોલીસ-અધિકારી રવીન્દ્રનાથ પાટીલનો સંપર્ક કરીને કહ્યું હતું કે તે બિટકૉઇન વેચવા માગે છે. આ અધિકારીએ પહેલાં તો ડિલરની વાતને નકારી કાઢી હતી પણ ડિલરે કહ્યું હતું કે મોટા લોકો (સુપ્રિયા સુળે અને નાના પટોલે) આ વ્યવહાર કરવા માગે છે. આ સાંભળ્યા બાદ પણ ભૂતપૂર્વ પોલીસ-અધિકારીએ કોઈ ડિલ ન કરવાનું કહ્યું હતું ત્યારે ડિલરે સુપ્રિયા સુળે અને નાના પટોલેની ઑડિયો-ક્લિપનું રેકૉર્ડિંગ આપ્યું હતું. આ ઑડિયો-ક્લિપમાં સુપ્રિયા સુળે દુબઈ જઈને કૅશ લાવવાની વાત કરી રહ્યાં છે. ઑડિયો-ક્લિપમાં ગૌરવ નામની વ્યક્તિ એવો દાવો કરી રહી છે કે એ પોતે બિટકૉઇન લેવા દુબઈ ગયો છે. આ વર્ષે યોજાયેલી લોકસભાની
ચૂંટણીમાં તે ૫૦-૫૦ કરોડ રૂપિયા દુબઈથી લાવ્યો હતો.’
સુપ્રિયા સુળેએ શું કહ્યું?
બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘મંગળવારથી ઑડિયો-ક્લિપ મીડિયામાં મોકલવામાં આવી રહી છે. સૌથી પહેલાં મેં પુણેના પોલીસ-કમિશનરને ફોન કરીને કહ્યું હતું કે કેટલાક બોગસ વિડિયો સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવી રહ્યા છે એટલે હું સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માગું છું અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી. ઑડિયો-ક્લિપ અને મેસેજ ખોટાં છે, એમાં મારો અવાજ નથી. મેં ચૂંટણીપંચને પણ આની ફરિયાદ કરી છે, સુધાંશુ ત્રિવેદીને હું તેઓ ચાહે ત્યાં કે કોઈ પણ ચૅનલમાં જવાબ આપીશ. મારા પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા છે. મને બિટકૉઇનના ગેરકાયદે વ્યવહાર વિશે કંઈ ખબર નથી.’
નાના પટોલેએ શું કહ્યું?
બિટકૉઇન વિવાદ પર કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘ઑડિયો-ક્લિપમાં મારો અવાજ નથી. હું ખેડૂત છું અને બિટકૉઇન શું છે એની મને સમજ નથી. અમે BJPના નેતા પર માનહાનિનો દાવો માંડીશું.’
ED ૨૦૧૮-’૧૯થી બિટકૉઇન-સ્કૅમની તપાસ કરી રહી છે
બિટકૉઇન અને મની-લૉન્ડરિંગની ED ૨૦૧૮-’૧૯થી તપાસ કરી રહી છે. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ હતો. તેણે બિટકૉઇનમાં રોકાણ કરવાને નામે ગેરકાયદે વ્યવહાર કર્યો હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં મહિને ૧૦ ટકા રિટર્ન આપવાને નામે સેંકડો લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ૨૦૧૭માં આવી રીતે ૬૬૦૦ કરોડ રૂપિયાની કિંમતના બિટકૉઇન એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ બહાર આવ્યા બાદ માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ દુબઈ ભાગી ગયો હતો, જેને બાદમાં ભારત લાવવામાં આવ્યો હતો અને ૨૦૨૨માં તેનું હાર્ટઅટૅક આવવાથી મૃત્યુ થયું હતું.