20 November, 2024 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર, સુપ્રિયા સુલેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચુંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જોકે, મતદાન પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ધમસાણ થયું તે પાછળ હતી એક ઓડિયો ક્લિપ. આ ઓડિયો ક્લિપમાં સુપ્રિયા સુલે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનો અવાજ સંભળાતો હતો.. આ લોકો બિટકોઈન કૌભાંડ (Bitcoin Scam)માં સંડોવાયેલા છે અને તેમાંથી થતી આવકનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો હોવાની વાત ગઇકાલથી ચર્ચામાં છે. હવે આજે આ વિષે સુપ્રિયા સુલેએ ફોડ પાડ્યો હતો.
આ મારી બહેન સુપ્રિયાનો જ અવાજ છે- અજીત પવાર
Bitcoin Scam: વાયરલ થયેલી ઓડિયો ક્લિપ પર અજીત પવારનું નિવેદન સામે આવ્યું હતું. સુપ્રિયા સુલેના પિતરાઈ ભાઈ અજિત પવારે કહ્યું હતું કે વાયરલ ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે મારી બહેન સુપ્રિયા સુલેનો જ છે. હું સુપ્રિયાનો અવાજ સારી રીતે જાણું છું, આ સિવાય હું નાના પટોલેના અવાજથી પણ પરિચિત છું. મેં આ લોકો સાથે લાંબા સમયથી કામ કર્યું છે. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે, હું તેના ઉચ્ચારણ દ્વારા કહી શકું છું. તપાસ કરવામાં આવશે, તપાસ બાદ બાબતો સ્પષ્ટ થશે.”
સાઇબર ક્રાઇમમાં નોટિસ પણ મોકલી છે- સુપ્રિયા સુલે
જ્યારથી આ ઓડિયો ક્લિપ વાયરલ (Bitcoin Scam) થઈ છે ત્યારથી સુપ્રિયા સુલેના નિવેદનની રાહ જોવાઈ રહી હતી, હવે તેઓએ કહ્યું છે કે, "ગઇકાલે મીડિયાએ મને આ બધી વૉઇસ રેકોર્ડિંગ્સ મોકલી હતી.. સૌથી પહેલા તો મેં પુણાના કમિશ્નરને ફોન કર્યો અને જણાવ્યું કે કેટલાક નકલી વિડિયો વાયરલ થઈ રહ્યા છે, મારે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવી છે. મેં તરત જ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી કે આ બધા વૉઇસ નોટ્સ અને મેસેજ ખોટા છે,તેથી મેં સાઇબર ક્રાઇમને નોટિસ પણ મોકલી છે.”
આ સાથે જ સુપ્રિયા સુલેએ આગળ જણાવ્યું હતું કે ભાજપના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા બાદ મેં મારા વકીલને તરત જ બોલાવ્યા હતા અને આજે સવારે મેં સુધાંશુ ત્રિવેદીને આપરાધિક માનહાનિની નોટિસ પાઠવી છે. હું સુધાંશુ ત્રિવેદીને ક્યારેય જે શહેરમાં તેઓ ઈચ્છે,જે ચેનલ પર ઈચ્છે,જે સમય પર ઈચ્છે, જ્યાં પણ તેઓ મને બોલાવશે ત્યાં હું આવીશ અને એમને જવાબ આપીશ”
સોશિયલ મીડિયા પર સુપ્રિયા સુલેએ લખ્યું કે મતદાતાઓને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે
Bitcoin Scam: સુપ્રિયા સુલેએ એક્સ પર પોસ્ટ મૂકી હતી અને તેમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મતદાનને થોડા કલાક બાકી હોઈ આ પ્રકારે મતદારોને ખોટી અફવા ફેલાવીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમે બિટકોઇનના દુરુપયોગના ખોટા આરોપોના વિરુદ્ધ ભારતીય ચૂંટણી આયોગ અને સાઇબર ક્રાઇમ વિભાગમાં ગુનાહિત ફરિયાદ નોંધાવી છે. આ પાછળનો હેતુ સ્પષ્ટ છે અને આ નિંદનીય છે”