સલમાન ખાન પોતે સમાજ સામે આવીને માફી માગે તો વિચાર કરીશું

17 October, 2024 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું...

અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયા

દબંગ અભિનેતા સલમાન ખાનના ફ્રેન્ડ બાબા સિદ્દીકીની હત્યા લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગના શૂટરોએ કરી હોવાનું તપાસમાં જણાયું છે ત્યારે બિશ્નોઈ સમાજ અને સલમાન ખાન ફરી ચર્ચામાં આવ્યા છે. એક ન્યુઝ ચૅનલ સાથેની વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું છે કે ‘જો સલમાન ખાન માફી માગશે તો બિશ્નોઈ સમાજ તેને માફ કરશે, પણ તેણે પોતે સમાજની સામે આવીને ભૂલ કબૂલવી પડશે. એ પછી સમાજના અગ્રણીઓની બેઠકમાં નિયમ મુજબ માફી આપવાનો નિર્ણય લેવામાં આવશે. સમાજમાં ૨૯ નિયમ છે જેના દસમા નિયમમાં ભૂલ સ્વીકારે તો માફ કરવાની જોગવાઈ છે. અમારો સમાજ કોઈને નુકસાન નથી કરતો. કોઈ ક્ષમાની ભાવનાથી અમારી સામે આવે તો તેને માફ કરવામાં આવે છે.’

૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન સલમાન ખાન સહિતની બૉલીવુડની સેલિબ્રિટીઝ શિકાર કરવા નીકળી હતી ત્યારે કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો. આ શિકાર બાદ બિશ્નોઈ સમાજમાં સલમાન ખાન સામે ખૂબ નારાજગી જોવા મળી રહી છે. ૨૭ વર્ષના જૂના શિકારનો આ મામલો કોર્ટમાં હજી ચાલી રહ્યો છે. આ મામલામાં સલમાન ખાન સામે ચાર કેસ છે. ૨૦૦૬ અને ૨૦૦૭માં સલમાન ખાનને કેટલોક સમય જેલમાં જવું પડ્યું હતું. અત્યારે સલમાન જામીન પર છે.

Salman Khan lawrence bishnoi mumbai mumbai news