રામ રાખે તેને કોણ ચાખે

19 March, 2023 08:35 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

એક્સપ્રેસવે પર ડિવાઇડરનો મોટો પોલ કારની આરપાર નીકળી ગયો તોય અંદર બેસેલા ત્રણ જણનો વાળ પણ વાંકો ન થયો

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં કારની આરપાર નીકળી ગયેલો પોલ.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શુક્રવારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી જવાથી ત્રણ લોકોનાં મૃત્યુ થવાની ઘટના બની હતી ત્યારે આ હાઇવે પર સવારે જ બીજો એક ચોંકાવનારો ઍક્સિડન્ટ થયો હતો. આ ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે રસ્તો ડિવાઇડ કરવા માટે મૂકવામાં આવેલો વીસેક ફીટ લાંબો અને એકાદ ફીટ પહોળો આખેઆખો પોલ કારની આરપાર નીકળી ગયો હતો. આવા અકસ્માતમાં સામાન્ય રીતે કોઈ ન બ‍ચે, પણ જેને ઈશ્વર બચાવવા માગતા હોય તેનો વાળ પણ વાંકો ન થાય. કારની પાછળની સીટમાં બેસેલાં મા-દીકરી અને કાર ચલાવી રહેલા ડ્રાઇવરનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો.

શુક્રવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સવારના આઠ વાગ્યે ઉરસે ટોલનાકા પાસે રસ્તાની એક બાજુએ ઊભેલી એક ટ્રકની પાછળ પૂરપાટ દોડી રહેલી કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાતારા જિલ્લાના કરાડના વતની વિજય વિશ્વનાથ ખૈર, રાહુલ બાલા કુલકર્ણી અને મયૂર મહેતા નામના ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઍક્સિડન્ટના અડધા કલાક પહેલાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈથી ૮૬ કિલોમીટરના અંતરે પુણે તરફ જઈ રહેલી એક કારનો સોમાટણે એક્ઝિટ પાસે અત્યંત ચોંકાવનારો ઍક્સિડન્ટ થયો હતો. મેઇન હાઇવેની એક્ઝિટ રસ્તા વચ્ચે મૂકવામાં આવેલા રોડ ડિવાઇડરનો આખેઆખો પોલ કારની આરપાર નીકળી ગયો હતો. અકસ્માત જોઈને લાગતું હતું કે કારમાં પ્રવાસ કરનારા કોઈ બચ્યા નહીં હોય. જોકે ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે પાછળની સીટમાં બેસેલી બે મહિલા અને કાર ચલાવનારાને આટલા ગંભીર ઍક્સિડન્ટમાં કોઈ ઈજા નહોતી થઈ.

ચમત્કારિક બચાવ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના આ ઍક્સિડન્ટ વિશે હાઇવે ટ્રાફિકના સબ-ઇન્સ્પેક્ટર રાજુ ભાલચીમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારના સાડાસાત વાગ્યે મુંબઈથી પુણેની દિશામાં જઈ રહેલી કારની આરપાર ડિવાઇડરનો આખેઆખો પોલ નીકળી ગયો હતો. લાંબો અને પહોળો પોલ કારમાં જેવી રીતે આરપાર થયો હતો એ જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે કારની અંદર પ્રવાસ કરી રહેલા ત્રણમાંથી કોઈને નાનકડો ઘસરકો પણ નહીં પડ્યો હોય. સદ્નસીબે કાર ચલાવી રહેલા નીલ કુમુમ આકા, પાછળની સીટમાં બેસેલી સારા અમિતાભ મુજાવર અને તેની માતા ઇવા મુજાવરના અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. લોખંડનો પોલ કારની બરાબર વચ્ચેથી આરપાર થઈ ગયો હતો એટલે પાછળની સીટમાં બેસેલી મા-દીકરીની સાથે-સાથે કારના ડ્રાઇવરને પણ ઈજા નહોતી થઈ. આ પરિવાર મુંબઈ નજીકના થાણેનો હોવાનું જાણવા મળ્યું હતું.’

યુ-ટર્નને કારણે ઍક્સિડન્ટ

અકસ્માત કેવી રીતે થયો એ વિશે ઇન્સ્પેક્ટર રાજુ ભાલચીમે વધુમાં કહ્યું હતું કે ‘એક્સપ્રેસવે પર સોમાટણે એક્ઝિટ પાસે કાર-ડ્રાઇવરે અચાનક યુ-ટર્ન લીધો હતો અને ડિવાઇડર સાથે અથડાતાં ડિવાઇડરનો પોલ કારની આરપાર નીકળી ગયો હતો. પાછળની સીટમાં બેસેલી સારા મુજાવરના હાથમાં મામૂલી ઈજા થવા સિવાય કોઈને કંઈ નહોતું થયું. સોમાટણેથી એક્સપ્રેસવે એક્ઝિટથી કરવાનો હતો, પણ ડ્રાઇવર હાઇવે પર થોડો આગળ નીકળી ગયો હતો અને તેણે એક્ઝિટ પાસે ફરી જવા માટે યુ-ટર્ન લીધો હતો, જેમાં આ ઘટના બની હતી. ડ્રાઇવરની બાજુની સીટમાં કોઈ બેસેલું હોત તો આ પોલ ચોક્કસપણે તેને જીવ લઈ લેત.’

mumbai pune pune-mumbai expressway prakash bambhrolia