ઝટપટ રૂપિયા કમાવાની લાલચમાં ૪૩ લાખ ખોયા

04 April, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાસ્ક પૂરા કરવાથી કમિશન અને બોનસ મળે છે એવો વિશ્વાસ બેસી જતાં વધારે ને વધારે રૂપિયાનું પ્રીમિયમ ભરી વધુ ને વધુ ટાસ્ક પૂરા કરવા માંડ્યો

પ્રતીકાત્મક તસવીર

ઑનલાઇન પર ઝટપટ રૂપિયા કમાવાની લાલચમાં ફસાઈ કલવામાં રહેતા અને ભિવંડીની એક કંપનીમાં કામ કરતા વસંત મોરે (નામ બદલાવ્યું છે)એ કમાણી તો છોડો, ઘરના ૪૨.૧ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

વસંત મોરેને વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો હતો કે અડધો જ દિવસ કામ કરો ને રોજના ૧૦૦૦ રૂપિયા કમાઓ. એથી તેણે એનો પ્રતિભાવ આપતાં તેમને ટેલિગ્રામની એક લિન્ક મોકલાવવામાં આવી અને જૉઇન કરવા કહ્યું. તેને કહેવામાં આવ્યું કે તમને અલગ-અલગ ટાસ્ક મોકલાવવામાં આવશે જે તમારે પૂરા કરવાના રહેશે અને એ પૂરા કરશો એટલે તમને કમિશન અને બોનસની રકમ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એ પછી તેને પહેલાં ૧૦,૦૦૦નું પ્રીમિયમ ભરવાનું કહેવાયું. એ તેણે ભર્યા એટલે તેને ટાસ્ક મળવાના શરૂ થયા. એ પૂરા કરીને આપતાં તેને અલગ-અલગ ટાસ્કના પ્રીમિયમ ભરવાનું કહેવાતું અને એ ભરતાં જતાં કુલ ૩૯,૫૦૦ રૂપિયા તેણે ભર્યા હતા. એ પછી તેને એ જ દિવસે ૪૩,૩૮૬ રૂપિયા કમિશન અને બોનસરૂપે જમા થયા. એથી તેને એ ટાસ્ક પૂરા કરવાથી કમિશન અને બોનસ મળે છે એવો વિશ્વાસ બેસી જતાં વધારે ને વધારે રૂપિયાનું પ્રીમિયમ ભરી વધુ ને વધુ ટાસ્ક પૂરા કરવા માંડ્યા. આમાં તેણે ૪૨.૯૧ લાખ રૂપિયાની ઘરની રકમ પ્રીમિયમ તરીકે ભરી દીધી હતી. જોકે એ પછી તેને કોઈ કમિશન કે બોનસ આવ્યું નહીં. તે જેના ખાતામાં એ રૂપિયા જમા કરાવતો હતો એ માણસને તે ઓળખતો પણ નહોતો.

આખરે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતાં તેણે કલવા પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેની ફરિયાદના આધારે ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરી છે. 

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime bhiwandi