04 December, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શપથવિધિમાં આવનારા VVIPની મૂવમેન્ટ માટેની તૈયારી (તસવીરો: અતુલ કાંબળે)
આવતી કાલે એક બાજુ આઝાદ મેદાનમાં ભવ્ય શપથવિધિના કાર્યક્રમમાં VVIPઓ સહિત આખા રાજ્યમાંથી હજારો લોકો હાજર રહેવાના છે ત્યારે બીજી બાજુ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે મોટી સંખ્યામાં તેમના સમર્થકો દાદરની ચૈત્યભૂમિ પર પોતાના નેતાનું અભિવાદન કરવા માટે આવતી કાલ સાંજથી જ આવી જવાના હોવાથી કાયદો અને વ્યવસ્થા ભાંગી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા વ્યક્ત કરીને ભીમ આર્મીએ આ શપથવિધિ આઝાદ મેદાનને બદલે રાજભવનમાં કરવાની માગણી કરી છે.
ભીમ આર્મીના નૅશનલ જનરલ સેક્રેટરી અશોક કાંબળે તરફથી રાજ્યપાલને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે ‘મહાપરિનિર્વાણ દિન નિમિત્તે માત્ર રાજ્યમાંથી જ નહીં, આખા દેશમાંથી આંબેડકરના અનુયાયીઓ ચૈત્યભૂમિ પર આવતા હોય છે. આ લોકો દાદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશને ઊતરતા હોવાથી શપથવિધિના સમયે CSMT પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. જો આ સમયે કોઈ પણ અનુચિત ઘટના ઘટશે તો એનો આરોપ આંબેડકરના અનુયાયીઓ પર આવવાની શક્યતા હોવાથી શપથવિધિનો આ કાર્યક્રમ રાજભવનમાં રાખવામાં આવે.’
છઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિન હોવાથી હજારોની સંખ્યામાં આખા દેશમાંથી તેમના અનુયાયીઓ મુંબઈ આવતા હોય છે અને એમાંથી મોટી સંખ્યામાં આ લોકો આઝાદ મેદાનમાં રાત વિતાવતા હોવાથી આ વખતે તેમને ક્યાં મોકલવા એને લઈને પણ ભીમ આર્મીએ ચિંતા વ્યક્ત કરી છે.
વર્ષોથી આંબેડકરના અનુયાયીઓને ધ્યાનમાં રાખીને પાંચ અને ૬ ડિસેમ્બરે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ તેમ જ બહારગામની ટ્રેનોમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે એ માટે ખાસ બંદોબસ્ત રાખવામાં આવે છે. આ બે દિવસો દરમ્યાન દાદર, કુર્લા, CSMT અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ મોટી સંખ્યામાં પોલીસના જવાનો ગોઠવી દેવામાં આવે છે તેમ જ દાદર-વેસ્ટમાં શિવાજી પાર્ક સુધીના વિસ્તારોમાં ટ્રાફિક પર નિયંત્રણ પણ મૂકી દેવામાં આવે છે.
ગઈ કાલે છઠ્ઠી ડિસેમ્બરની તૈયારીની કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મીટિંગ પણ કરી હતી અને મહાપરિનિર્વાણ દિન કોઈ પણ વિઘ્ન વગર શાંતિથી પાર પડે એ માટે તેમણે અધિકારીઓને જરૂરી વ્યવસ્થા કરવાનો આદેશ પણ આપ્યો હતો.
આવતી કાલની શપથવિધિ માટે વડા પ્રધાન સહિતના VVIPઓ હાજર રહેવાના હોવાથી તેમની સ્મૂધ મૂવમેન્ટ માટે આઝાદ મેદાન પાસેના રોડ પરનું ડિવાઇડર હટાવવામાં આવ્યું હતું. આ સિવાય આઝાદ મેદાન પાસેનાં ગેરકાયદે સ્ટ્રક્ચર્સને પણ ગઈ કાલે તોડવામાં આવ્યાં હતાં.