મમ્મીના જન્મદિવસે જ બે વર્ષના દીકરાનો જીવ ગયો

27 November, 2023 07:20 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મમ્મીના બર્થ-ડેની ઉજવણી કરવા ભાઈંદરનો શાહ પરિવાર ગોરાઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પરના ગટરના પાણીમાં ઍક્ટિવા ​સ્લિપ થઈ જતાં પરિવારના સભ્યોને મૂઢ માર લાગ્યો, જ્યારે એક વર્ષ ૧૧ મહિનાના દીકરાનું થયું મૃત્યુ

દક્ષ શાહ

ભાઈંદરમાં રહેતા દક્ષ શાહનો પરિવાર અને ખાસ કરીને દક્ષની મમ્મી ક્યારેય પોતાનો જન્મદિવસ મનાવવાની ઇચ્છા કરશે નહીં, કારણ કે મમ્મીના જન્મદિવસે જ બે વર્ષના દક્ષે તેની આંખ સામે જીવ ગુમાવ્યો હતો. ભાઈંદરનો આ પરિવાર જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે ઍક્ટિવા પર ગોરાઈ જઈ રહ્યો હતા. એ વખતે રસ્તા પર ગટરનું પાણી પડ્યું હતું અને રસ્તો ક્રૉસ કરતાં ટૂ-વ્હીલર ​સ્લિપ થઈ જતાં બધાને મૂઢ માર વાગ્યો હતો, જ્યારે દક્ષને માથાના ભાગમાં વાગતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. આંખ સામે દીકરાનું મૃત્યુ થતાં મમ્મી અને પાંચ વર્ષની બહેનની કફોડી હાલત થઈ છે. આ પરિવાર માનસિક આઘાતમાં હોવાથી ગઈ કાલે સવારે અંતિમ સંસ્કાર સિવાય અન્ય કંઈ રાખ્યું નહોતું.

ભાઈંદરના વિજાપુર સત્યાવીસ વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના મૂળ ઉબખલ ગામના અને ભાઈંદર-વેસ્ટમાં ૧૫૦ ફુટ રોડ પર ફ્લાયઓવર પાસે આવેલી બબુદા રેસિડન્સીમાં રહેતા કુશલ શાહ તેમની પત્ની જિજ્ઞા, પાંચ વર્ષની દીકરી કાયરા અને એક વર્ષ ૧૧ મહિનાના દીકરા દક્ષ સાથે મમ્મીના જન્મદિવસની ઉજવણી કરવા શનિવારે સાંજે પોણાપાંચ વાગ્યે ગોરાઈ જવા ઍક્ટિવા પર નીકળ્યા હતા. દક્ષના પપ્પા કુશલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિજ્ઞાનો જન્મદિવસ હોવાથી અમે બધા ખૂબ ઉત્સાહિત હતા અને એની ઉજવણી કરવા માટે ઍક્ટિવા પર જઈ રહ્યા હતા. ગોરાઈ પાસે સુવી હોટેલ નજીક પેટ્રોલ-પમ્પ છે અને ત્યાં માર્બલની દુકાન પાસે રસ્તો ક્રૉસ કરતાં રસ્તા પર ગટરનું પાણી હોવાથી ઍક્ટિવા ​સ્લિપ થઈ ગઈ હતી. હું અને કાયરા આગળ હોવાથી હૅન્ડલનો અમને સપોર્ટ મળ્યો હતો, પરંતુ જિજ્ઞા અને દક્ષ પાછળ બેઠાં હોવાથી તેમને વધુ માર લાગ્યો હતો. અમને મૂઢ માર લાગ્યો હતો, જ્યારે જિજ્ઞાને મોઢા અને હાથ પર માર લાગ્યો હતો. દક્ષને માથા પર માર લાગતાં લોહી નીકળ્યું હતું. અમે તરત તેને પાસેની હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તે બચી શક્યો નહોતો.’

અમે અંતિમ સંસ્કારમાં કોઈએ સફેદ કપડાં પહેરવાં નહીં અને લૌકિક વ્યવહાર બંધ હોવાનું જણાવ્યું હતું એમ જણાવીને કુશલભાઈએ કહ્યું હતું કે ‘મમ્મીના જન્મદિવસે જ તેના દીકરાએ જીવ ગુમાવ્યો એ કઈ મા સહન કરી શકે. કાયરાની આંખ સામે આ બનાવ બનતાં તે રડી-રડીને અડધી થઈ ગઈ છે. પરિવારજનોને સંભાળવા મુશ્કેલ હોવાથી અને માતમનું વાતાવરણ ન લાગે એટલે સફેદ કપડાં પહેરવાની પણ ના પાડી હતી.’

થોડા દિવસમાં જ દક્ષનો જન્મદિવસ હતો એમ જણાવીને કુશલ શાહે ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘દક્ષનો જન્મદિવસ ૧૩ ડિસેમ્બરે જ હતો. તે બે વર્ષનો થવાનો હતો. તેના જન્મદિવસની ઉજવણી કરવા અમે ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ ઈશ્વરે કંઈ બીજું વિચાર્યું હતું. હાલ તો ઘરમાં બધાને સાચવવા જ મહત્ત્વનું છે.’

road accident bhayander gorai mumbai mumbai news preeti khuman-thakur