ભાઈંદરના ચાના વેપારીને લોન આપવાના નામે લગાવ્યો ચૂનો

10 December, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારીને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં ચા પત્તીનો વ્યવસાય કરતા વેપારીને એક યુવાને એલ ઍન્ડ ટી ફાઇનૅન્સમાંથી બિઝનેસ માટે લોન અપાવવાના નામે તેમની પાસેથી ૩૦૦ રૂપિયાની રકમ ભરેલા ત્રણ ચેક લીધા હતા. એ પછી એ રકમને રબરથી ભૂંસી એમાં મોટી રકમ ભરીને વેપારીના અકાઉન્ટમાંથી આશરે દોઢ લાખ રૂપિયા કાઢી લીધા હતા. વેપારીને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાઈંદર-વેસ્ટમાં રહેતા અને ઈસ્ટમાં એસ. વી. ક્રૉસ રોડ પર ચા પત્તીનો વ્યવસાય કરતા જયેશ મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર ૯ નવેમ્બરે તેમને વિશાલ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ એલ ઍન્ડ ટી ફાઇનૅન્સના અધિકારી તરીકે આપીને જયેશભાઈને ફાઇનૅન્સની જરૂરિયાત હોવાનું પૂછ્યું હતું. જયેશભાઈએ એ માટે હા પાડતાં તેણે લોન માટે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ્સ અને એની સાથે ત્રણ ચેક તૈયાર રાખવાનું અને એક માણસને મોકલી રહ્યો હોવાનું કહ્યું હતું. એ પછી આવેલા માણસે તમામ ડૉક્યુમેન્ટ્સ અને ચેક લીધા હતા અને ચેક પર એલ ઍન્ડ ટી લખીને અમાઉન્ટમાં ૩૦૦ રૂપિયા લખ્યા હતા. બેથી ત્રણ દિવસ પછી જયેશભાઈને તેમના અકાઉન્ટમાંથી ૪૯,૫૦૦ રૂપિયાના ત્રણ ચેક મળીને કુલ ૧,૪૮,૫૦૦ રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. તેમણે બૅન્કમાં જઈને તપાસ કરતાં લોન માટે આપેલા એલ ઍન્ડ ટી કંપનીના ચેકો પર મોટી અમાઉન્ટ નાખીને અલગ-અલગ લોકોનાં ખાતાંમાં પાસ થયા હોવાનું જાણવા મળતાં તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરી હતી.

નવઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યા હતા એની માહિતી સાથે જે અકાઉન્ટમાં ચેક પાસ થયા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news bhayander