08 October, 2024 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કતલખાનાના વિરોધને પગલે ગઈ કાલે મીરા ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે બેઠક બોલાવી હતી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના પ્રસ્તાવિત ડેવલપમેન્ટ પ્લાનમાં ભાઈંદર વેસ્ટમાં આવેલા ઉત્તન વિસ્તારમાં એક કતલખાનું બનાવવાની યોજના છે. ડેવલપમેન્ટ પ્લાનને હજી સુધી આખરી ઓપ આપવામાં નથી આવ્યો ત્યાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ કતલખાનું બનાવવા માટે ૫૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનોએ અને BJPના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો.
ચારે તરફથી કતલખાનાનો વિરોધ કરવામાં આવતાં ગઈ કાલે મીરા ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાટકરે ગઈ કાલે બપોરના સ્થાનિક વિધાનસભ્ય ગીતા જૈન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બધાએ કોઈ પણ ભોગે ભાઈંદરમાં કતલખાનું ન બને એવી માગણી કરી હતી. આથી સંજય કાટકરે આ માગણીને ધ્યાનમાં રાખીને કતલખાનું બનાવવા માટે જાહેર કરવામાં આવેલું ટેન્ડર રદ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મીરા ભાઈંદરમાં મોટા પ્રમાણમાં જૈનોની સાથે હિન્દુઓની બહોળી વસ્તી છે. પોતાના વિસ્તારમાં કતલખાનું ન બને એ માટે તેઓ પ્રયત્નશીલ છે. આ લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના નેતાઓએ પણ કતલખાનોનો વિરોધ શરૂ કર્યો હતો. ટેન્ડર રદ કરવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો છે.
કમિશનરનો લૂલો બચાવ
મીરા-ભાઈંદર ક્ષેત્રનો નવો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર નથી થયો તો શા માટે કતલખાના બનાવવા માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું? આ સવાલના જવાબમાં કમિશનર સંજય કાટકરે લૂલો બચાવ કરતાં પત્રકારોને જવાબ આપ્યો હતો કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે એટલે આચારસંહિતા લાગુ થાય એ પહેલાં ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ માટે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. જોકે ભારે વિરોધને પગલે આ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે.’
કમિશનર સંજય કાટકરે જોકે શા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું એનો જવાબ નહોતો આપ્યો.