ગુજરાતી લેડી ઍડ‍્વોકેટની લોકલ ટ્રેનમાં ભયાનક સફર

28 June, 2024 09:58 AM IST  |  Mumbai | Mehul Jethva

ભાઈંદરનાં આશા જોષીને બે મહિલાઓએ ચંપલ અને હાથથી એટલો બધો માર માર્યો કે તેમને બે દિવસ હૉસ્પિટલમાં રાખવાં પડ્યાં, ત્રણ અઠવાડિયાં આરામ કરવો પડશે

જખમી ઍડ્વોકેટ આશા જોષી

ભાઈંદર-ઈસ્ટમાં RNA પાર્ક નજીક રહેતાં ૩૬ વર્ષનાં ઍડ્વોકેટ આશા જોષી મંગળવારે સવારે ભાઈંદરથી ફાસ્ટ લોકલ ટ્રેનમાં બાંદરા જઈ રહ્યાં હતાં ત્યારે સીટ માટે થયેલા ઝઘડામાં બે મહિલાઓએ તેમને જોરદાર માર માર્યો હોવાની ફરિયાદ બાંદરા રેલવે પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે. ટ્રેનમાં મળેલી આ મહિલાઓએ ઍડ્વોકેટને ચંપલ અને હાથથી એટલો માર માર્યો કે તેમને ભાભા હૉસ્પિટલના ઑર્થોપેડિક વૉર્ડમાં ઍડ્‍મિટ કરીને બે દિવસની સારવાર પછી બુધવારે રાત્રે રજા આપવામાં આવી હતી. ઍડ્વોકેટ મહિલાને મારનારી મહિલાઓને પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે શોધી રહી છે.

લોકલ ટ્રેનની આ ભયાનક ઘટના બાદ હું ખૂબ જ ગભરાઈ ગઈ છું અને એટલી ગંભીર રીતે જખમી થઈ છું કે ડૉક્ટરે મને ત્રણ અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપી છે એમ જણાવતાં સેશન્સ અને હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં ઍડ્વોકેટ આશા જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે આરોપી ક્લાયન્ટને મળવા આર્થર રોડ જેલમાં જવું હોવાથી મેં મંગળવારે સવારે ભાઈંદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પરથી ૭.૪૩ વાગ્યાની ચર્ચગેટ ફાસ્ટ લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં પ્રવાસ શરૂ કર્યો હતો. દરમ્યાન દરવાજાની બાજુની સીટ પર ત્રણ મહિલાઓ સાથે બેસીને પ્રવાસ કરી રહી હતી. અંધેરી આવતાં આમાંની એક મહિલા ઊભી થઈને નીચે ઊતરી હતી એટલે મેં એ સીટ પર બેસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એ સીટ પર બેસેલી બે મહિલાઓએ મને કહ્યું કે તેમની મિત્ર આવી રહી છે, તે આ સીટ પર બેસશે. એ વખતે મેં તેમને કહ્યું કે હું પહેલાં આવી છું એટલે મને બેસવા દો. એના પરથી ઉશ્કેરાઈને બન્ને મહિલાઓએ મારી સાથે પહેલાં તો કેટલીક દલીલો કરી હતી એટલું જ નહીં, તેઓ મને અપશબ્દો પણ બોલી હતી. એનો વિરોધ કરતાં તેમણે મારી મારપીટ કરવાનું શરૂ કરી દીધું હતું.’

મેં મદદ માટે રેલવે હેલ્પલાઇન ૧૩૯નો સંપર્ક કર્યો હતો, પણ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો એમ જણાવતાં ઍડ્વોકેટ આશા જોષીએ કહ્યું હતું કે ‘મારી મારઝૂડ થઈ રહી હતી અને બન્ને મહિલાઓ મને ચંપલ અને હાથથી મારી રહી હતી એટલે મેં મારા બચાવ માટે ૧૩૯ રેલવે હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. ત્યારે સામે કન્ટ્રોલ પરની મહિલાએ મને કહ્યું કે ટ્રેનનો નંબર આપો, કેટલા વાગ્યાની ટ્રેન હતી એ માહિતી આપો, કયા કોચમાં તમે પ્રવાસ કરી રહ્યા છો એ માહિતી આપો. આવા કેટલાક સવાલો તેણે મને પૂછ્યા હતા. જોકે કોઈ મહિલા માર ખાઈ રહી હોય ત્યારે તેને આ બધું કઈ રીતે યાદ હોય કે પછી કહી શકે? થોડી વાર બાદ મારી સહનશ​ક્તિ પૂરી થતાં મેં ચેઇન-પુલિંગ કર્યું હતું અને બાંદરા આવતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. બાંદરા ટ્રેન ધીમી પડતાં તે બે મ​હિલાઓ ઊતરીને ભાગી ગઈ હતી. એ સમયે મારી હાલત એવી હતી કે મારામાં બિલકુલ તાકાત નહોતી કે હું ઊભી પણ રહી શકું. જોકે ફરજ પરના અધિકારીઓએ મને તાત્કાલિક ભાભા હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડી હતી જ્યાં મારો બે દિવસ ઇલાજ ચાલ્યો હતો અને બુધવારે રાત્રે મને રજા આપવામાં આવી હતી. આ ઘટનામાં મારા જમણા ખભામાં ફ્રૅક્ચર થયું હોવાથી મને ત્રણ અઠવાડિયાં આરામ કરવાની સૂચના ડૉક્ટરે આપી છે.’

bhayander mumbai local train bandra mumbai police mumbai mumbai news mehul jethva