29 December, 2023 08:15 AM IST | Mumbai | Prakash Bambhroliya
બ્રિજ પરથી કૂદકો મારનારા અતુલ ધાંધિયા
ભાઈંદરમાં રહેતા અને બોરીવલીમાં પ્રાઇવેટ બસની બુકિંગ-ઑફિસ ધરાવતા ૫૩ વર્ષના બ્રાહ્મણ એજન્ટે બુધવારે સાંજે ઘોડબંદરમાં નવા બાંધવામાં આવેલા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. એજન્ટે બુધવારે બપોરે ભાઈ અને બહેનને ફોન કરીને વરલી સી-લિન્ક પરથી કૂદકો મારીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું.
પોલીસની મદદથી ફોન ટ્રેસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે તે ઘોડબંદર પહોંચી ગયો હતો. આ જાણ્યા બાદ એજન્ટનો ભાઈ અહીં પહોંચ્યો હતો, પણ તેને જોઈને એજન્ટે બ્રિજની ઉપર બાઇક ઊભી રાખીને ખાડીમાં કૂદકો મારી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફાયર બ્રિગેડ અને માછીમારોની મદદથી એજન્ટને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ ૨૪ કલાક બાદ પણ તેનો પત્તો નહોતો લાગ્યો.
રાજગોર બ્રાહ્મણ સમાજના મીરા રોડમાં રહેતા અને મૂળ રાજુલાના વતની ૫૩ વર્ષના અતુલ ધાંધિયા પ્રાઇવેટ બસની બુકિંગ-ઑફિસ નૅશનલ પાર્ક પાસે ધરાવે છે. અતુલ ધાંધિયાએ ઘોડબંદરમાં વેસાવે ખાડીના નવા બાંધવામાં આવેલા બ્રિજની ઉપરથી બુધવારે સાંજના છએક વાગ્યે ઝંપલાવ્યું હોવાની જાણ પોલીસને કરાતાં ફાયર બ્રિગેડ અને માછીમારોની મદદથી નદીમાં કૂદેલા એજન્ટને શોધવાના પ્રયાસ શરૂ ધરવામાં આવ્યા હતા.
સી-લિન્ક પર આત્મહત્યા કરવા નીકળ્યો
અતુલ ધાંધિયાના નજીકના લોકોના જણાવ્યા મુજબ બુધવારે બપોરે તે બાંદરા-વરલી સી-લિન્ક પર આત્મહત્યા કરવા માટે નીકળ્યો હોવાનો ફોન તેનાં ભાઈ અને બહેનને કર્યો હતો. ભાઈનો આવો ફોન આવતાં પરિવારજનો ચોંકી ગયા હતા અને તેમણે પોલીસમાં જાણ કરી હતી. બધાએ અતુલને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો એવું જાણવા મળ્યું હતું.
સી-લિન્કથી ઘોડબંદર
અતુલ ધાંધિયાની નજીકની એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અતુલ સુસાઇડ કરવા નીકળ્યો હોવાની જાણ થતાં અમે તેને ફોન કરીને સમજાવવાની સાથે પોલીસને પણ જાણ કરી હતી. તે બાંદરા-વરલી સી-લિન્ક પર પહોંચ્યો હતો, પણ ત્યાં બાઇકને એન્ટ્રી નથી અપાતી એટલે પાછો મીરા રોડ તરફ આવ્યો હોવાનું પોલીસે તેનો નંબર ટ્રેસ પર મૂક્યો હતો એટલે જાણવા મળ્યું હતું.’
ભાઈની સામે મોત વહાલું કર્યું
સૂત્રોના જણાવ્યા મુજબ અતુલ ઘોડબંદરમાં છે એની જાણ થતાં તેનો ભાઈ મીરા રોડથી રિક્ષામાં વેસાવે ખાડી પરના બ્રિજ પર પહોંચ્યો હતો. તેણે બ્રિજ પર થોડા જ અંતરે અતુલને બાઇક પર જતો જોયો હતો. ભાઈએ બૂમ પાડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અતુલે બાઇક ઊભી રાખી હતી અને તેનો ભાઈ તેની નજીક પહોંચે એ પહેલાં બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવી દીધું હતું.
અંધારામાં પણ તપાસ કરાઈ
અતુલ ધાંધિયાએ વેસાવે ખાડીમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળ્યા બાદ મીરા-ભાઈંદર ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક માછીમારોની મદદથી અતુલને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ વિશે ચીફ ફાયર ઑફિસર પ્રકાશ બોરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતના અંધારામાં ૯.૩૦ વાગ્યા સુધી ખાડીમાં અમે શોધખોળ કરી હતી. બીજા દિવસે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ કૂદકો મારનારાનો પત્તો નહોતો લાગ્યો.’
સદમામાં પરિવાર
અતુલ ધાંધિયાનો બુધવાર બપોર બાદથી પત્તો નથી લાગી રહ્યો એેટલે તેના પરિવારજનો સદમામાં છે. મીરા રોડમાં રહેતાં તેનાં બહેન જયશ્રીનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અત્યારે અમે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. ઘર કે પરિવારમાં કોઈ સમસ્યા ન હોવા છતાં તેણે આવું પગલું શા માટે ભર્યું એ સમજાતું નથી.’