27 September, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમારા ઘરની માહિતી કોઈને આપતાં પહેલાં વિચાર કરજો
આપણે નજીકના સંબંધી અને પાડોશીઓ સાથે ઘરની અંગત બાબતો શૅર કરીએ છીએ એ મુશ્કેલીમાં મૂકી શકે છે. ભાઈંદરમાં બંધ ઘરમાં ત્રણ દિવસ પહેલાં ચોરી થઈ હતી એમાં અંગત માહિતીના આધારે ચોરે હાથસફાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ભાઈંદર-ઈસ્ટમાં નવઘર વિસ્તારમાં આવેલા ચંદ્રાવતી પૅલેસમાં રહેતા ફોટોગ્રાફર દીપક ધુરીના બંધ ઘરના દરવાજાની કડી તોડીને એક તસ્કર અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં ગયા બાદ ચોર બેડરૂમમાં ગયો હતો અને તેણે તેની પાસેની ચાવીથી એક કબાટ ખોલ્યો હતો. કબાટમાં મૂકેલી ચાવી લઈને બાજુનું કબાટ ખોલ્યું હતું અને એની અંદર રાખવામાં આવેલા સોનાના દાગીના અને રોકડ રકમ લઈ લીધી હતી અને બાદમાં પલાયન થઈ ગયો હતો.
દીપક ધુરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની પણ જૉબ કરે છે અને દીકરી સ્કૂલમાં ભણે છે. ચોરી થઈ એ પહેલાં હું સવારના ૧૦.૩૦ વાગ્યે જૉબ પર નીકળી ગયો હતો. થોડા સમય પછી મારી પત્ની પણ તેની ઑફિસે ગઈ હતી. બપોરે દીકરી સ્કૂલમાં ગઈ હતી. સાંજે ૪.૪૫ વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો અને બેડરૂમનાં બન્ને કબાટ પણ ખુલ્લાં હતાં અને સામાન અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતાં જણાયું કે બે તોલા સોનાના દાગીના, એક આઇપૅડ અને પાંચેક હજાર રૂપિયા ગાયબ છે. દીકરીની પિગી બૅન્ક પણ તોડીને એની અંદરના રૂપિયા તસ્કર લઈ ગયો છે. જે કબાટમાં દાગીના અને રોકડ રકમ હતી એની ચાવી બાજુના કબાટમાં અમે રાખીએ છીએ. ચોરને આ વાતની કોઈક રીતે માહિતી હતી એટલે તેણે ચાવી લઈને કબાટ ખોલીને ચોરી કરી છે. અમે પાડોશમાં રહેતા પરિવારને વર્ષોથી ફ્લૅટની ચાવી આપીએ છીએ. તેમની સાથે અમારા સારા સંબંધ છે એટલે તેમના પર શંકા નથી. જોકે ચોરને એક કબાટની ચાવી બીજા કબાટમાં છે એની જાણ કેવી રીતે થઈ એ સવાલ છે. નવઘર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.’