15 March, 2025 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડની હૉસ્પિટલમાં ઍડ્મિટ હેડ કૉન્સ્ટેબલ કાશિનાથ ભાનુસે.
ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન-રોડ પરની શિવસેના ગલીમાં આવેલી બાબુભાઈ મિસ્ત્રી ચાલ પાસે ગઈ કાલે સાંજે ધુળેટીમાં રંગ નાખવા બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. એ ઝઘડો છોડાવવા માટે ભાઈંદર પોલીસ-સ્ટેશનના પૅટ્રોલિંગ કરી રહેલા હેડ કૉન્સ્ટેબલ કાશિનાથ ભાનુસે પર ચાકુથી હુમલો થયો હતો. ચાકુના બે-ત્રણ ઘા વાગતાં થયેલી ગંભીર ઈજાને લીધે કાશિનાથને મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનારા દિલીપ ખડકા અને કમલેશ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે.
ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે ૬.૧૫ વાગ્યે શિવસેના ગલીમાં રંગ નાખવા બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો થતો હતો. એ સમયે પૅટ્રોલિંગ કરી રહેલા હેડ કૉન્સ્ટેબલ કાશિનાથ ભાનુસે અન્ય એક કૉન્સ્ટેબલ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાથમાં ચાકુ સાથે ઝઘડો કરી રહેલા દિલીપ ખડકા અને કમલેશ ગુપ્તાને કાશિનાથ ભાનુસે છોડાવી રહ્યા હતા ત્યારે એક તરફથી દિલીપ ખડકા અને બીજી બાજુએથી કમલેશ ગુપ્તાએ કાશિનાથ પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. કાશિનાથના પેટ, હાથ અને પગમાં ચાકુના ઘા વાગ્યા છે. હુમલો કર્યા બાદ આરોપીઓ પલાયન થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કાશિનાથને મીરા રોડની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. હુમલાની માહિતી મળ્યા બાદ પલાયન થઈ ગયેલા દિલીપ ખડકા અને કમલેશ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ શા માટે ઝઘડો કરી રહ્યા હતા અને તેમનું બૅકગ્રાઉન્ડ શું છે એની તપાસ હાથ ધરવામાં આવી છે.’