ભાવેશ ભિંડેને ૨૬ મે સુધીની પોલીસ-કસ્ટડી

18 May, 2024 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૂટી પડેલા હોર્ડિંગના વર્ષે ૪ કરોડ રૂપિયા રેલવે પોલીસ કમિશનરેટને આપવામાં આવતા હતા

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને ગઈ કાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો

ઉદયપુરથી પકડી લાવવામાં આવેલા ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને ગઈ કાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૨૬ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.  ઉપરોક્ત ઘટનામાં ૧૬ લોકોના જીવ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

પોલીસે કોર્ટમાં તેની કસ્ટડી માટે કરેલી અરજીમાં કહ્યું હતું કે ‘તૂટી પડેલા હોર્ડિંગ સહિત અન્ય ત્રણ હોર્ડિંગની જવાબદારી પણ આરોપી ભાવેશ ભિંડેની હતી. દરેક હોર્ડિંગનો ૩-૪ કરોડનો ખર્ચ હતો. આ કેસમાં તેણે હોર્ડિંગ માટે જરૂરી પરવાનગીઓ લીધી છે? જો લીધી છે તો તેણે એ માટે કોની મદદથી લીધી? જેવા સવાલોનો જવાબ મળવા જરૂરી છે. એ ઉપરાંત તેનાં ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સ પણ તપાસવાના હોવાથી તેની પોલીસ-કસ્ટડી આપવામાં આવે.’

બીજી તરફ ઈગો મીડિયાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘ઈગો મીડિયાના ડિરેક્ટરપદે પહેલાં જ્હાનવી મ્હાત્રે હતાં. એ પછી ૨૦૨૨ની ૨૨ નવેમ્બરે ભાવેશ ભિંડેની નિયુક્તિ કરવામાં આવી હતી. આ હોર્ડિંગના વર્ષે ૪ કરોડ રૂપિયા રેલવે પોલીસ કમિશનરેટને આપવામાં આવતા હતા.’ આ કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ઘટના બાદ કેસની સમાંતર તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવેશ ભિંડેને ઉદયપુરથી પકડી લાવી હતી.

mumbai news mumbai ghatkopar mumbai police