08 March, 2025 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધીર મુનગંટીવાર
પ્રખર સમાજસુધારક અને મહિલાઓને શિક્ષિત કરવા માટે જીવનભર સંઘર્ષ કરનારાં મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માગણી કરતો પત્ર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે ગઈ કાલે વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ માગણીને તમામ પક્ષના ૧૦૦ વિધાનસભ્યોએ સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારને આ બાબતે ભલામણ કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સંબંધે અલગથી પત્ર લખ્યો હોવાનું સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ નેતા અરુણ ગુજરાતીએ પણ અલગથી જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્નથી સન્માનિત કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કેન્દ્રમાં ભલામણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્યારે પણ દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન છે ત્યારે આ માગણી દોહરાવવામાં આવી છે.