21 January, 2023 08:03 AM IST | Mumbai | Rohit Parikh
કાલબાદેવીના કાપડના વેપારીઓની માથાડી નેતાઓના નામે થઈ રહેલી કનડગતનો ૨૩ ડિસેમ્બરનો ‘મિડ-ડે’નો અહેવાલ.
મુંબઈ : કાપડબજાર હજી કોરાનાકાળની મંદીમાંથી બહાર આવી નથી. આ બજારના વેપારીઓ અને દુકાનદારો આજે પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ પાસે માથાડી કામગાર યુનિયનના નામે અમુક યુનિયનના વર્કરોએ તેમના અકાઉન્ટ્સની અને અન્ય બિઝનેસની માહિતીની માગણી કરીને ખંડણી વસૂલ કરવાની શરૂઆત કરી છે. છેલ્લા થોડા સમયમાં મુંબઈ અને થાણેમાં માથાડી કામગાર યુનિયનોનો રાફડો ફાટ્યો છે. આમાંથી અમુક યુનિયનોના નેતાઓ ફક્ત કોઈ પણ બહાને ધમકીઓ આપીને વેપારીઓને હેરાનપરેશાન કરવાનું જ કામ કરી રહ્યા છે. આ બાબતની ફરિયાદ કાપડના વેપારીઓના સંગઠન ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી શરદ યાદવ અને તેના સાગરીતો સામે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં અને ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરને કરવામાં આવી હતી. જોકે આજ સુધી પોલીસ તરફથી શરદ યાદવ સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. આથી હવે ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને ટ્વીટ કરીને આ સંદર્ભની ફરિયાદ કરીને તેમની સહાયની માગણી કરવામાં આવી છે.
પુણેની ગયા શનિવારની મુલાકાતમાં હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે જિલ્લામાં રોકાણકાર-મૈત્રીપૂર્ણ વાતાવરણને પુનર્જીવિત કરવા માટે બ્લૅકમેઇલિંગમાં સંડોવાયેલા લોકોને મજબૂત સંદેશ મોકલતા ઉદ્યોગપતિઓને હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસને સૂચના આપી હતી.
ભારત મર્ચન્ટ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘હોમ મિનિસ્ટરે આ મુલાકાત દરમિયાન ચિંતા દર્શાવતાં જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ જિલ્લામાં આવવા તૈયાર હતા, પરંતુ મોટા ભાગે ગેરવસૂલીમાં સામેલ બ્લૅકમેઇલર્સની ઇકો-સિસ્ટમ વિકસિત થઈ છે. કોઈ પણ માન્ય લાઇસન્સ વિના કેટલાક લોકો નકલી માથાડીઓ (હેડ લોડર્સ)ના નામે છેડતીમાં સામેલ છે. કેટલાક ઉદ્યોગો પર કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે દબાણ લાવી રહ્યા છે અને તેમની ઇચ્છા અનુસાર દરો નક્કી કરવા પર અડગ છે. જો દર ટાંકવામાં આવે તો તેઓ સોંપણીઓને નકારી રહ્યા છે. તેમના દ્વારા સ્વીકારવામાં આવતા નથી. આ પ્રકારની માનસિકતાની કમર તોડવા માટે પગલાંની જરૂર છે. અમે પોલીસને આવા લોકો સામે કડક બનવા સૂચના આપી છે. જો પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.’
હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પોલીસને આપેલી સૂચના પછી ૧૬ જાન્યુઆરીએ અમે દેવેન્દ્ર ફડણવીસને અમારી પોલીસ-ફરિયાદ અને ‘મિડ-ડે’ના અહેવાલની કૉપી ટ્વિટર દ્વારા મોકલીને તેમની સહાયની માગણી કરી હતી એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અમે ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે મુંબઈના ‘સી’ વૉર્ડના ટેક્સટાઇલના વેપારીઓ પાસેથી આ પ્રકારે ખંડણી માગવી એ સામાન્ય ઘટના બની ગઈ છે. માથાડીના નેતાઓ અને અમુક રાજકીય પક્ષો સાથે સંલગ્ન આરટીઆઇ ઍક્ટિવિસ્ટો ‘સી’ વૉર્ડમાં વેપારીઓને ધમકી આપીને ખંડણી માગવાનું કાર્ય કરી રહ્યા છે. આ બાબતમાં પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ પોલીસ તરફથી આ લેભાગુઓ સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.’
રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કર્યાના એક અઠવાડિયા પછી પણ અમને ન તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ મળ્યો કે નથી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી આગળ વધારવામાં આવી. એનાથી અમારા વેપારીવર્ગમાં નારાજગી પ્રવર્તી છે.’