26 August, 2023 07:47 AM IST | Mumbai | Bakulesh Trivedi
ભારત ડાયમન્ડ બુર્સની ચૂંટણીમાં રસાકસી
મુંબઈ : બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ની મંગળવાર, ૨૯ ઑગસ્ટે યોજાનારી ચૂંટણીમાં રસાકસી જોવા મળે એવી પૂરી શક્યતા છે. બુર્સના મેમ્બરો માટે ઉમેદવારો નવા નથી. મોટા ભાગના ઉમેદવારો વર્ષોથી બુર્સ સાથે સંકળાયેલા છે અને કમિટીમાં પણ રહી ચૂક્યા છે તથા તેમને કામનો પણ અનુભવ છે. જોકે પહેલી કૅટેગરીમાં બે સીટ માટે ૬ ઉમેદવારો અને બીજી કૅટેગરીમાં બે સીટ માટે ત્રણ ઉમેદવારો હોવાથી રસાકસી તો થવાની જ છે. ત્રીજી કૅટેગરીમાં અરુણ ચીમનલાલ શાહ અને જસવંત અમૃતલાલ પારેખ બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે. એ જ રીતે ટ્રેડ કૅટેગરીમાં પરેશ મહેતા અને વુમન કૅટેગરીમાં ભારતી શ્રેણિક મહેતા પણ બિનવિરોધ ચૂંટાઈ આવ્યાં છે.
બીડીબીના બંધારણ મુજબ કમિટીમાં કુલ ૧૮ રેગ્યુલર મેમ્બર છે જેમની ત્રણ વર્ષની મુદત હોય છે. જોકે એ ૧૮ મેમ્બરમાંથી દર વર્ષે ૬ મેમ્બર રિટાયર થાય છે અને તેમની નવેસરથી ચૂંટણી થાય છે, જ્યારે ટ્રેડ મેમ્બર અને વુમન મેમ્બરની ચૂંટણી એક-એક પદ માટે દર વર્ષે થતી હોય છે. આમ કુલ ૧૮ રેગ્યુલર મેમ્બર અને બે વધારાના મેમ્બર એમ કુલ ૨૦ જણની કમિટી બીડીબીનું સંચાલન કરે છે. એ પછી દર વર્ષે નવા ચૂંટાયેલા સભ્યો અને એક્ઝિસ્ટિંગ સભ્યો મળીને પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ અને અન્ય પદો પર નવેસરથી નિમણૂક કરે છે.
વર્ષોથી બીડીબી કમિટીમાંના સિનિયર મેમ્બર અને વિવિધ પદ પર ફરજ બજાવનાર કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક્સપાન્શન ઇઝ ઓન્લી પ્લાન. આપણે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં વર્લ્ડ લીડર છીએ અને કાયમ રહેવાનું છે. અમારે એ જ જોવાનું છે કે બુર્સનું કામ, ઇન્ડિયન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીનું કામ કઈ રીતે વધે. ૨૦થી ૩૦ વર્ષ પહેલાં પંચરત્ન એક જ ડાયમન્ડનું સેન્ટર હતું, હવે બીડીબી છે. વર્લ્ડ લેવલ પર પણ પહેલાં ઍન્ટવર્પ એક જ બુર્સ હતું. ત્યાર બાદ દુબઈમાં ખૂલ્યું ત્યારે થોડોઘણો ઊહાપોહ થયો હતો, પણ હવે એ ચાલે જ છે. બિઝનેસ વધવાનો જ છે. સુરત બુર્સ પણ ચાલશે. સુરતમાં ૧૦૦ ટકા મૅન્યુફૅક્ચરિંગ તો છે જ, સાથે ટ્રેડિંગ પણ છે. હવે ત્યાં મોટા પાયે લૅબગ્રોનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. એ બધા હાલ છૂટાછવાયા છે જે એક છત્ર એસડીબી નીચે આવશે. આમ સુરત ડાયમન્ડ બુર્સ પણ વધવાનું જ છે. સુરત અને બૉમ્બે ભાઈ-ભાઈ જ છે. બે બુર્સ વચ્ચે મતમતાંતર હોઈ શકે, એ પછી કોઈ પણ બુર્સ હોય. અમારો એ જ પ્રયાસ રહેશે કે બંનેની કમિટી સાથે મળીને એનો ઉકેલ લાવે. મુળ ઉદ્દેશ બિઝનેસ વધારવાનો છે. અમારું લક્ષ્ય ઇન્ડિયન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીની એક્સપોર્ટ ૭૫ બિલ્યન ડૉલર પર પહોંચાડવાનું છે.’
વર્ષોથી કમિટી મેમ્બર રહેલા પ્રકાશ સી. શાહ (હેક્કડ)એ કહ્યું હતું કે ‘બીડીબીનું કામ વ્યવસ્થિત ચાલતું રહે એ માટે દરેક કમિટી મેમ્બરને અલગ-અલગ કામ વહેંચી દેવામાં આવતું હોય છે. હું વર્ષોથી બુર્સની પ્રૉપર્ટીનું કામ જોઉં છું. આજે આટલા મોટા બુર્સને અમે મેમ્બરદીઠ માત્ર એક રૂપિયાનું મેઇન્ટેનન્સ લઈને ચલાવીએ છીએ. બુર્સે પોતાની આવક માટે એ મુજબનું આયોજન કર્યું છે. બુર્સની પોતાની ૬૦૦ જગ્યા છે જે ભાડે અપાઈ છે અને એની જે આવક છે એમાંથી બુર્સ મેઇન્ટેઇન કરાય છે. સિક્યૉરિટી, હાઉસકીપિંગ અને અન્ય કૉન્ટ્રૅક્ટરોનો ખર્ચ એમાંથી જ નીકળે છે. વળી બુર્સમાં થતા પ્રૉપર્ટીઓ (ઑફિસો)ના ખરીદ-વેચાણ પર પણ બુર્સ નજર રાખે છે. આજે બુર્સ પાસે ૫૦૦ કરોડ રૂપિયાનું કૉર્પસ ફન્ડ એકઠું થયું છે એટલે બુર્સના મેઇન્ટેનન્સની ચિંતા નથી, પણ એ મેઇન્ટેઇન કરવા તો ધ્યાન આપવું જ પડે જે વર્ષોથી હું કરું છું. આમ આ પણ મહત્ત્વનું છે.’
બુર્સના જૂના મુરબ્બી અને બહોળો અનુભવ ધરાવતા જિતેન્દ્ર કીર્તિલાલ ભણસાલીએ કહ્યું હતું કે ‘આ ઇલેક્શન છે એ એક પ્રોસેસ છે જે દર વર્ષે થાય છે. બીડીબી અને એસડીબી બંને રહેશે એમાં કોઈ શંકા નથી. વેપારીઓ બંને જગ્યાએ ઑફિસ રાખવાના જ છે. આ બાબતે ઇલેક્શન પછી કહેવું વધુ યોગ્ય ગણાશે.’