હીરાબજારમાં હડકંપ

06 April, 2021 09:52 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

એક જ દિવસમાં વ્યવહાર પતાવવા માટે વેપારીઓની દોટ, એક્સપોર્ટ ચાલુ રાખવા આજે મુખ્ય પ્રધાનને કરશે રજૂઆત

હીરાબજાર

રોજેરોજ વધી રહેલા કોરોનાના કેસને રોકવા રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને ગઈ કાલે રાતે ૮ વાગ્યાથી અમલમાં આવે એ રીતે ઘણાબધા પ્રતિબંધો મૂકીને મિની લૉકડાઉન જાહેર કરી દેતાં બીકેસીના હીરાબજારમાં હડકંપ મચી ગયો હતો. આજથી હીરાબજારના હજારો નાના-મોટા વેપારીઓ અને દલાલભાઈઓએ ઘરે બેસવું પડશે. ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી) દ્વારા નોટિસ બહાર પાડીને વેપારીઓને જાણ કરવામાં આવી હતી કે ગઈ કાલે રાતે ૮ વાગ્યા પછી આગળની સૂચના ન મળે ત્યાં સુધી બજાર બંધ રહેશે. એટલે ગઈ કાલના એક જ દિવસમાં વ્યવહાર પૂરા કરવા વેપારીઓએ દોડધામ કરવી પડી હતી. જોકે જે રીતે ગયા લૉકડાઉનમાં એક્સપોર્ટની પરવાનગી આપવામાં આવી હતી એ રીતે આ વખતે પણ એક્સપોર્ટ માટે પરવાનગી આપવામાં આવે એવી રજૂઆત ભારત ડાયમન્ડ બુર્સ દ્વારા આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળીને કરવા માટે તેમનો સમય માગવામાં આવ્યો છે. જોકે એમ છતાં નાના વેપારીઓ કે દલાલભાઈઓ જે બીડીબીમાં રોજેરોજ નાના-મોટા સોદા કરીને આવક રળી લેતા હોય છે તેમની હાલત કફોડી થઈ શકે છે. 

રાજ્ય સરકારના આ પગલા બાબતે હીરાબજારના વેપારીઓનું શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’એ કેટલાક વેપારીઓ સાથે આ સંદર્ભે વાત કરી હતી. એમાં એવું બહાર આવ્યું હતું કે વેપારને ખાસ્સું નુકસાન થશે.

ચાર-પાંચ દિવસનો ટાઇમ આપ્યો હોત તો સારું

વેપારને બહુ નુકસાન થશે એમ જણાવીને પોતાની કૅબિન ધરાવતા વેપારી નવીન અદાણીએ કહ્યું હતું કે ‘અહીં હીરાબજારમાં તો પહેલેથી જ સ્ટ્રિક્ટ પ્રોટોકૉલ ચાલુ જ છે અને બધી જ ગાઇડલાઇન્સ પાળવામાં આવે છે. વળી બીડીબીમાં કોરોનાના એવા કેસ પણ નથી બની રહ્યા તો પણ એ લોકો (રાજ્ય સરકાર) કેમ આવું કરી રહી છે એની ખબર નથી પડતી. બજારમાં અફરાતફરી મચી ગઈ છે, દોડાદોડ થઈ છે. જેનું એક્સપોર્ટનું કામ હોય તેને તો વધારે ટેન્શન રહે. એક દિવસમાં માણસ કેટલું કામ પતાવી શકે? ચાર-પાંચ દિવસનો વધુ ટાઇમ આપ્યો હોત તો સારું થાત. કોઈને બહારગામ માલ મોકલવાનો હોય, કોઈએ માલ મોકલાવ્યો હોય, બિલ બનાવવાનાં પેન્ડિંગ હોય. આ કંઈ કરિયાણાની દુકાન નથી. અહીં હાઈ વૅલ્યુનાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ થાય છે. સરકારે તો અત્યારે ૨૯ એપ્રિલ આપી છે એટલે એ પહેલાં તો માર્કેટ નહીં ખૂલે એવું લાગી રહ્યું છે.’

જબરદસ્ત નુકસાન થશે

બધું જ બંધ છે અને જબરદસ્ત નુકસાન થશે એમ જણાવીને ડાયમન્ડના અન્ય એક વેપારી અમિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા લૉકડાઉનમાં અને આ લૉકડાઉનમાં એટલો જ ફરક છે કે તમે બહાર નીકળી શકો છો. તમને કોઈ અટકાવશે નહી. માર્કેટમાં બધા બૂમાબૂમ કરે છે. ધંધાને ૧૦૦ ટકા અસર પડે. અમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય કે કોઈને આપવાના હોય એ બધા વ્યવહાર બંધ થઈ જાય. ૯૦ ટકા હીરા એક્સપોર્ટ થાય છે. ગયા વખતે એક્સપોર્ટની છૂટ આપી હતી. બીડીબી દ્વારા એને માટે રજૂઆત કરવાના છીએ. હવે આ વખતે જોઈએ છીએ શું કરે છે.’

સીએમને મળીને રજૂઆત કરીશું

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે માર્કેટને બહુ મોટું આર્થિક નુકસાન જઈ શકે છે ત્યારે બીડીબી દ્વારા કેટલીક છૂટછાટ મળે એટલે કે ઍટ લીસ્ટ એક્સપોર્ટ ચાલુ રહે એ માટે દરખાસ્ત થવાની છે. બીડીબીના કમિટી-મેમ્બર કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે તો જીઆર પ્રમાણે બધું બંધ રાખવાના છીએ, પણ ગવર્નમેન્ટ સાથે અમારું ડિસ્કશન ચાલુ છે. એ માટે મેઇલ પણ કરવામાં આવી છે. સીએમ સાથે મીટિંગ ગોઠવીને એની રજૂઆત કરવાના છીએ અને એ માટે તેમનો સમય પણ માગ્યો છે. લાસ્ટ ટાઇમ પણ આવું જ થયું હતું, પણ એ પછી અમને પરમિશન અપાઈ હતી. અમારા એ માટેના પ્રયાસ ચાલુ છે.’

coronavirus covid19 mumbai mumbai news bkc diamond market bakulesh trivedi