28 January, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપનાં બે યુવાન પ્રેમીઓએ પરિવારજનોએ તેમના પ્રેમનો વિરોધ કરતાં રવિવારે બપોરે ૧.૫૦ વાગ્યે વિક્રોલી રેલવે સ્ટેશન પરના ચાર નંબરના ટ્રૅક પર ગરીબ રથ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી હતી.
આ બાબતે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપના હનુમાનનગરમાં રહેતો ૨૦ વર્ષનો નીતેશ દંડાપલ્લી તેના જ વિસ્તારમાં રહેતી ઉત્તર પ્રદેશની ૧૫ વર્ષની એક છોકરીના પ્રેમમાં હતો. બન્ને થોડા મહિનાથી પ્રેમમાં હતાં. આત્મહત્યા બાદ યુવાનના મૃતદેહ પાસેથી મળેલી સુસાઇડ-નોટમાં નીતેશે લખ્યું છે : અમારા પ્રેમની છોકરીનાં માતા-પિતાને ખબર પડતાં તેમણે અમારા પ્રેમનો સખત વિરોધ કર્યો હતો. રવિવારે સવારે મેં તેનાં માતા-પિતાને મળીને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ માન્યાં નહોતાં જેથી અમે બન્નેએ ભાગી જઈને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે.’
સંભાજી યાદવે વધુમાં કહ્યું હતું કે ‘આ પ્રેમીઓએ આત્મહત્યા કરી એ પહેલાં છોકરીનાં માતા-પિતાએ શનિવારે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં છોકરો તેમની દીકરીનું અપહરણ કરી ગયો છે એવી ફરિયાદ નોંધાવી હતી. અમે બન્નેના મૃતદેહ રાજાવાડી હૉસ્પિટલમાં પોર્સ્ટમૉર્ટમ કરાવીને ગઈ કાલે તેમનાં માતા-પિતાને અંતિમ સંસ્કાર માટે સોંપી દીધા હતા. અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’