ભારત જૈન મહામંડળ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો

05 April, 2023 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રસંગે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે સમગ્ર જૈન સમાજને પંથવાદથી પરે થઈને માત્ર ભગવાનના ધર્મને જ નહીં, પરંતુ ભગવાનના ગુણધર્મોને સ્વીકારવાની પાવન પ્રેરણા આપી હતી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ સાથે સમાજના અગ્રણી

ભારત જૈન મહામંડળ દ્વારા મરીન લાઇન્સ સ્થિત બિરલા માતુશ્રી સભાગૃહમાં ગઈ કાલે આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવમાં સમસ્ત દિગંબર જૈન સમાજ, શ્રી સમસ્ત શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સમાજ, શ્રી સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ તેમ જ સમસ્ત શ્વેતાંબર તેરાપંથી જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા પૂજ્ય આચાર્યશ્રી પ્રણામસાગરજી મહારાજસાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ, પૂજ્ય આચાર્યશ્રી નયપદ્‍મસાગરજી મહારાજસાહેબ, પૂજ્ય મુનિશ્રી ડૉક્ટર અભિજિત કુમારજી એવમ્ મુનિશ્રી જાગૃતકુમારજી મહારાજસાહેબ, પૂજ્ય ગણિની પ્રમુખ આર્યિકા રત્ન શ્રી જિનદેવી માતાજી સંઘના પાવન સાંનિધ્ય સાથે મહારાષ્ટ્ર રાજ્યના માનનીય ગવર્નરસાહેબ શ્રી રમેશજી બૈસ, વિશેષ અતિથિ ગિરિરાજી મહાજન (ગ્રામીણ વિકાસ મંત્રી), સ્વાગત અધ્યક્ષ ગિરીશભાઈ શાહ (ઉદ્યોગપતિ) જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમથી હજારો ભાવિકો જોડાયા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે સમગ્ર જૈન સમાજને પંથવાદથી પરે થઈને માત્ર ભગવાનના ધર્મને જ નહીં, પરંતુ ભગવાનના ગુણધર્મોને સ્વીકારવાની પાવન પ્રેરણા આપી હતી. દિગંબર પંથના આચાર્ય ડૉ. શ્રી પ્રણામસાગરજી મહારાજસાહેબે ભગવાનને માત્ર માનવાની નહીં, પણ ભગવાનનું માનવાની પ્રેરણા આપીને કહ્યું હતું કે શસ્ત્રોની નહીં, પણ શાસ્ત્રોની જે વાત કરે છે, અણુબૉમ્બની નહીં, પણ અણુવ્રતની જે વાત કરે છે એ જૈન ધર્મ છે. આચાર્ય પૂજ્ય શ્રી નયપદ્‍મસાગરજી મહારાજસાહેબે ભગવાન મહાવીરને સૌથી મોટા વૈજ્ઞાનિક સ્વરૂપે ઓળખાવીને સમજાવ્યું હતું કે પોતાને માટે તો આખી દુનિયા જીવે છે, પરંતુ બીજાને માટે જીવનારા લોકો ભગવાન હોય છે. પૂજ્ય મુનિશ્રી અભિજિત કુમારજીએ જૈન ધર્મને જન ધર્મ બનાવવાની, યુનિવર્સલ ધર્મ બનાવીને વિશ્વની સમસ્યાને ઓવરકમ કરવાની પ્રેરણા આપી હતી. મુનિ શ્રી જાગૃતકુમારજી મહારાજસાહેબે જૈન ધર્મને વિશ્વના દરેક ધર્મના પ્રતિનિધિ તરીકે ઓળખાવીને એની ગરિમાનો પરિચય કરાવ્યો હતો.

માનનીય રાજ્યપાલ શ્રી રમેશજી બૈસે પ્રભુ મહાવીરના બોધને પોતાના જીવનમાં સ્વીકારવાના સંદેશ સાથે જૈન ધર્મ અને પ્રભુ મહાવીર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. 

mumbai mumbai news marine lines