ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપર-ચેમ્બુરમાં ટક-ટક ગૅન્ગથી સાવધાન

10 May, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારના કાચ પર નૉક કરીને ચોરી કરતી ગૅન્ગ ઍક્ટિવ થઈ છે : કારનું ટાયર પંક્ચર છે, તમે અમારા પગ પર કાર ચડાવી દીધી એવાં બહાનાં બનાવી કારવાળાઓને રોકીને આ ટોળકી હાથની સફાઈ કરતી હોય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અમર મહલ બ્રિજ નજીક ટાયર પંક્ચર છે, તમે અમારા પગ પર કાર ચડાવી દીધી છે એવાં કારણો આપીને ઘાટકોપરની ૨૭ વર્ષની ખયાલ શાહ અને ૬૧ વર્ષના કેરસી રાંદેરિયાની કારમાંથી લાખો રૂપિયા ચોરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસનું માનવું છે કે આ કામ ટક-ટક ગૅન્ગનું છે. આ ગૅન્ગમાંથી એક જણ આવાં બહાનાં બતાવીને કારવાળાને વાતમાં બિઝી રાખતા હોય છે, જ્યારે તેમની ગૅન્ગના અન્ય લોકો કારની પાછળની સીટ પર રાખવામાં આવેલી વસ્તુ લઈને રફુચક્કર થઈ જતા હોય છે. આ ગૅન્ગના મેમ્બરો કારના કાચ પર ટક-ટક એટલે કે નૉક કરીને વિક્ટિમને ગેરમાર્ગે દોરી ચોરી કરતા હતા. આ બે ઘટનામાં પંતનગર પોલીસ અને નેહરુનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ રૉન્ગવેમાંથી આવી બિન્ધાસ્ત મારી કારનો રોડ-સાઇડનો દરવાજો ખોલી પૈસા લઈ નાસી ગયા હતા એમ જણાવતાં દાદરમાં પારસી કૉલોની નજીક રહેતા અને ઘાટકોપરમાં અંબાજી કન્સ્ટ્રક્શનના નામે બાંધકામનો વ્યવસાય કરતા કેરસી રાંદેરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે હું મારી કારમાં ઑફિસેથી રાતે સાડાઆઠ વાગ્યે ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે કાર મારો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. એ સમયે હું કારની પાછળની સીટની ડાબી બાજુએ બેઠો હતો. મારી પાસે મારા વ્યવસાયના ૧,૨૫,૦૦૦ રૂપિયાની રોકડની બૅગ મેં મારી બાજુમાં મૂકી હતી.

ઘાટકોપરથી જ્યારે અમે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવ્યા ત્યારે અમર મહલ બ્રિજ ઊતરતી વખતે એક મોટરસાઇકલ પર બે અજાણ્યા માણસો કારની જમણી બાજુથી આવ્યા હતા. તેમણે ઇશારો કરીને ટાયર પંક્ચર હોવાના સંકેત આપ્યા હતા એટલે શંકા જતાં અમે કારને રસ્તાની ડાબી બાજુએ રોકી નીચે ઊતરીને ટાયર જોયાં હતાં. એ જ સમયે જમણી બાજુથી રૉન્ગવેમાં બે યુવાનો આવ્યા હતા અને ઝડપથી કારનો જમણી બાજુનો દરવાજો ખોલીને પૈસા રાખેલી બૅગ લઈને નાસી ગયા હતા.’

પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી બીજી ફરિયાદ અનુસાર ઘાટકોપરમાં નાઇન્ટી ફિટ રોડ પર રહેતી ખયાલ ધવલ શાહ સોમવારે કોલાબામાં આવેલી પોતાની રેસ્ટોરાંમાં જવા ઘરેથી કારમાં નીકળી હતી ત્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે અજાણ્યા લોકોએ તેને પગ પર કાર ચડાવી દીધી હોવાનું કહીને તેની કાર રોકી આશરે ૮૦ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ લઈને ભાગી ગયા હતા.

નેહરુનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જ્યાં ઘટના બની છે એના એક કિલોમીટર રેડિયસમાં CCTV કૅમેરાનાં ફુટેજ અમને મળ્યાં નથી એટલે આરોપીને શોધવા માટે આગળના કૅમેરા તપાસવામાં આવી રહ્યા છે.

 

mumbai news mumbai eastern express highway ghatkopar chembur mumbai crime news