12 December, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ને કૉન્ટ્રૅક્ટ પર બસ અને ડ્રાઇવરો પૂરી પાડતી છ કંપનીઓ સાથે જે ઍગ્રીમેન્ટ થાય છે એમાં એક નિયમ બહુ સ્પષ્ટપણે હોય છે કે તેઓ જે ડ્રાઇવર આપશે તે ઍટ લીસ્ટ બે વર્ષનો હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવતો હશે. જોકે આ નિયમનું યોગ્ય પાલન થતું નથી અને કૉન્ટ્રૅક્ટ લેતી કંપનીઓ દ્વારા એ નિયમને ચાતરીને ઓછો અનુભવ ધરાવતા ડ્રાઇવરોની ભરતી કરવામાં આવે છે.
આ બાબતની જાણ જુલાઈ ૨૦૨૩માં જ થઈ હતી. કૉન્ટ્રૅક્ટની ૧૯૦૦ બસ છે. એમાંથી ૧૦૨૪ બસ-ડ્રાઇવર હેવી વેહિકલ ચલાવવાનો બે વર્ષ કરતાં ઓછો અનુભવ ધરાવતા હતા. આ ડ્રાઇવરોને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવેલી તારીખ અને તેમના દ્વારા સબમિટ કરાયેલા અન્ય દસ્તાવેજોની ચકાસણીમાં આ બાબતનો ખુલાસો થયો હતો. એથી BEST દ્વારા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ મોકલવામાં આવી હતી. દરેક દિવસે ૫૦૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અનુભવી ડ્રાઇવરોની નિમણૂક કરો અથવા ડબલ દંડ ફટકારીશું એમ પણ BESTએ તેમને એ વખતે જણાવ્યું હતું. જોકે એ પછી પણ આ બાબતે ‘હોતા હૈ, ચલતા હૈ’નું વલણ અપનાવીને કૉન્ટ્રૅક્ટરે નિયમનું પાલન નથી કર્યું.