નસીબ કહેવાય કે આ બસમાં આગ લાગી ત્યારે એમાં એક પણ પૅસેન્જર નહોતો

01 October, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અચાનક બસના એન્જિનમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા હતા. આથી બસના ૫૪ વર્ષના ડ્રાઇવર સંજય સૂર્યવંશીએ તરત જ એને સાઇડમાં લઈ લીધી હતી

વિક્રોલીમાં BEST બસમાં લાગી આગ

ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ પવઈથી વિક્રોલીમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ તરફ જઈ રહેલી BESTની કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) બસમાં ગઈ કાલે બપોરના ૧.૩૫ વાગ્યે ગાંધીનગર જંક્શન પાસે આગ ફાટી નીકળી હતી પણ બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને સાઇડમાં લઈને મોટી દુર્ઘટના ટાળી હતી. જોકે એમાં ૨૫ વર્ષના બસ-કન્ડક્ટર અજિત સરાટેને હાથમાં ઈજા થઈ હતી. બસમાં લાગેલી આગને કારણે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. 


આ બાબતની માહિતી આપતાં BESTના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘બાંદરા સ્ટેશનથી મુલુંડ રૂટ પર દોડતી ૩૦૩ નંબરની બસ ગઈ કાલે એની શૉર્ટ ટ્રિપ પૂરી કરીને ગાંધીનગરથી બાંદરા સ્ટેશન પાછી ફરવાની હતી. અચાનક બસના એન્જિનમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા હતા. આથી બસના ૫૪ વર્ષના ડ્રાઇવર સંજય સૂર્યવંશીએ તરત જ એને સાઇડમાં લઈ લીધી હતી. એ સમયે બસમાં કોઈ મુસાફરો નહોતા આથી કોઈ જાનહાનિ થઈ નહોતી. ફક્ત કન્ડક્ટરને હાથમાં ઈજા થઈ હતી. ફાયર-બ્રિગેડે આગ તો બુઝાવી દીધી હતી પણ આગમાં આખી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી.’

vikhroli bandra powai mulund mumbai fire incident mumbai traffic mumbai news