15 November, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BEST બસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ૨૦ નવેમ્બરે મતદાન હાથ ધરાવાનું છે ત્યારે મુંબઈમાં વહેલી સવારથી મોડી રાત સુધી ચૂંટણી પંચનો સ્ટાફ એકથી બીજી જગ્યાએ મતદાન કેન્દ્રો પર સમસયર પહોંચી શકે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRCL), રિલાયન્સ મેટ્રો અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ને ૨૦ નવેમ્બરે વહેલી સવારના ચાર વાગ્યાથી રાતના ૧ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન અને BESTની બસો ચલાવવામાં આવે એ માટેના નિર્દેશ આપ્યા છે. દહિસર વિધાનસભાનાં રિટર્નિંગ ઑફિસર શીતલ દેશમુખે મતદાનના દિવસે ચૂંટણી પંચનું કામકાજ વહેલી સવારથી શરૂ થાય છે અને મતદાન પૂરું થયા બાદ કામકાજ સંકેલવામાં મોડું થાય છે એથી ચૂંટણી પંચના હજારો લોકોના આ સ્ટાફને કોઈ મુશ્કેલી ન થાય એ માટે મેટ્રો ટ્રેન અને BESTની બસના સમયમાં વધારો કરવાની માગણી BMCના કમિશનર સમક્ષ કરી હતી. આથી કમિશનરે આવો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.