16 April, 2023 08:32 AM IST | Mumbai | Mehul Jethva
પેશન્ટની ટ્રીટમેન્ટ કરતાં પહેલાં ડૉક્ટરે પોતાની સારવાર કરવી પડી
મુંબઈ : કૂપર હૉસ્પિટલમાં પૅરૅલિસિસની સારવાર માટે આવેલા દરદીને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવા નીકળેલા ગુજરાતી ડૉક્ટર રિક્ષા પકડીને હૉસ્પિટલ પહોંચવા માગતા હતા. દરમિયાન રિક્ષા-ડ્રાઇવરે હૉસ્પિટલ તરફ આવવાની ના પાડી હતી. એનો વિરોધ કરતાં ડૉક્ટરને પહેલાં રિક્ષા-ડ્રાઇવરે માર્યો હતો. ત્યાર બાદ રિક્ષા-ડ્રાઇવરની પત્નીએ રોડ પર જ ડૉક્ટરની મારઝૂડ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે ડૉક્ટરે ત્યારે પોતાના ડ્રેસમાં હતા એમ છતા બંનેએ તેમને માર્યા હતા. આ કેસમાં પોલીસે માત્ર મારઝૂડની ફરિયાદ નોંધી હતી, જ્યારે ડૉક્ટર સરકારી કામ માટે જઈ રહ્યા હતા.
વિલે પાર્લે-ઈસ્ટમાં સિન્ડિકેટ બૅન્ક નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા અને કૂપર હૉસ્પિટલમાં કામ કરતા ૩૩ વર્ષના ડૉ. દીપ રાવલે કરેલી ફરિયાદ અનુસાર શુક્રવારે સાંજે તેઓ હૉસ્પિટલમાં જવા માટે સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ પાસે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બે-ચાર રિક્ષા કૂપર હૉસ્પિટલ જવા માટે તૈયાર થઈ નહોતી. ત્યાર બાદ આવેલી એક રિક્ષામાં બેસીને કૂપર હૉસ્પિટલમાં ઇર્મજન્સી લઈ જવાનું તેમણે રિક્ષા-ડ્રાઇવરને કહ્યું હતું. જોકે રિક્ષા-ડ્રાઇવરે ત્યાં જવા માટે ઇનકાર કર્યો હતો. ડૉ. દીપે ઇમર્જન્સી કેસ હોવાનું કહીને હૉસ્પિટલ લઈ જવા માટે રિક્વેસ્ટ કરી હતી. જોકે તો પણ રિક્ષા-ડ્રાઇવર તૈયાર થયો નહોતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ ડૉ. દીપે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. એ જોઈને રિક્ષા-ડ્રાઇવરે ડૉક્ટરને મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેને રિક્ષામાં પોતાની પત્નીની દુકાન પાસે લઈ જતાં રિક્ષા-ડ્રાઇવરની પત્નીએ પણ ડૉક્ટરને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડૉક્ટરને માર મારનાર રિક્ષા-ડ્રાઇવરનું નામ મોહનદાસ નાયર હોવાનું જાણવા મળ્યું હતું.
ડૉ. દીપ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં પૅરૅલિસિસનો પેશન્ટ આવ્યો હતો. તેને એક ઇન્જેક્શન આપવાનું હોય છે. આ મારું કામ છે. આ ઇન્જેક્શન આપ્યા બાદ પેશન્ટનું લોહી પાતળું થતું હોય છે અને ૮૦ ટકા સુધી પૅરૅલિસિસમાં રાહત મળતી હોય છે. આ કેસમાં એક-એક મિનિટ મહત્ત્વની હોય છે એટલે હું મારા ડ્રેસમાં રિક્ષાની રાહ જોતો હતો. ત્યારે આવેલી એક રિક્ષામાં બેસીને તરત પેશન્ટનો ઇલાજ કરવા હૉસ્પિટલ જવા માગતો હતો ત્યારે રિક્ષા-ડ્રાઇવરે મારી મારઝૂડ કરી હતી અને તેની પત્નીએ પણ મારી મારઝૂડ કરી હતી. આ કેસમાં પોલીસે મારી ફરિયાદ તો નોંધી હતી, પણ થોડી જ વારમાં મને માર મારનાર આરોપીઓ છૂટી ગયા હતા. તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હું રોજ એ જ રોડ પરથી આવ-જા કરું છે. હું મારા વ્યક્તિગત કામ માટે નહીં પણ પેશન્ટના ઇલાજ માટે હૉસ્પિટલ જઈ રહ્યો હતો.’
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાનેનો ‘મિડ-ડે’એ ઘટના વિશે માહિતી લેવા સંપર્ક કરતાં તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કરીને આ કેસ વિશે બોલવાનું તેમણે ટાળ્યું હતું.