નરેન્દ્ર મોદીના આજના રોડ-શો જેવાં જ નિયંત્રણો સાથેનું રિહર્સલ યોજાયું

15 May, 2024 06:48 AM IST  |  Mumbai | Rohit Parikh

આ કવાયતથી અજાણ લોકો અચરજ પામ્યા અને હેરાન પણ થયા

ઘાટકોપરમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીને આવકારતાં હોર્ડિંગ લાગ્યાં છે. (સમીર માર્કન્ડે)

આજે નરેન્દ્ર મોદી ઘાટકોપરમાં રોડ-શો કરે એ પહેલાં ગઈ કાલે સાંજના ચાર વાગ્યાથી ભારતના વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવારના નજીકના સભ્યોને સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે એ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)એ સુરક્ષાના ચેકિંગની પૂરી તપાસ અને ચકાસણી કરવા માટે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ નવનીત મહેતાની આગેવાની હેઠળ ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગથી ઘાટકોપર (ઈસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર આવેલી રામજી આસર હાઈ સ્કૂલ સુધી અંદાજે બે કલાકનો રોડ-શો કર્યો હતો. એને કારણે આ રાજમાર્ગો પરનો ટ્રાફિક બે કલાક સુધી થંભી ગયો હતો. સાંજના સમયે અચાનક થયેલા આ રોડ-શોથી સેંકડો લોકો રોડ પર જ અટકી ગયા હતા.

SPGનો ગઈ કાલનો રોડ-શો આજના નરેન્દ્ર મોદીના રોડ-શો પહેલાંની સુરક્ષાની તૈયારી કેવી છે અને ક્યાં-ક્યાં ક્ષતિઓ છે તથા એને કેમ સુધારવી એના માટે કરવામાં આવે છે. જોકે લોકો આખી કવાયતથી અજાણ હોવાથી અચરજ પામ્યા હતા.

ગઈ કાલનો SPGનો રોડ-શો આજના નરેન્દ્ર મોદીના રોડ-શો જેવો જ હતો. રાહદારીઓને વાહનોની જેમ જ રોડ પર ચાલવાની પરવાનગી નહોતી. રાહદારીઓને રોડની બે બાજુની ફુટપાથ પર જ ચાલવાની છૂટ આપી હતી. ફુટપાથની બહાર રોડની બન્ને બાજુ લગાડવામાં આવેલાં બૅરિકેડ્સ/રેલિંગની અંદર ફક્ત પોલીસને જ ઊભા રહેવાની છૂટ હતી. SPGના રોડ-શોના કોઈ ફોટો પાડી શકતું નહોતું. આજના નરેન્દ્ર મોદીના રોડ-શોનાં બધાં જ નિયંત્રણો ગઈ કાલે પણ લાગુ કરવામાં આવ્યાં હતાં જેને લીધે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગથી મહાત્મા ગાંધી રોડ બે કલાક સુધી એકદમ ખાલી રહ્યો હતો. ઘાટકોપર-વેસ્ટના સર્વોદય જંક્શન પાસે મેટ્રો સ્ટેશનથી ગોલીબાર રોડ સુધીના રસ્તાને રાહદારીઓ અને વાહનો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર પણ ટ્રાફિક અને રાહદારીઓને રોકી દેવામાં આવ્યા હતા. એને કારણે ઑફિસથી ઘરે જવા નીકળેલા સેંકડો લોકો ગઈ કાલે અટવાઈ ગયા હતા. તેમને રોડ-શો પછી જ ઘરે જવા દેવામાં આવ્યા હતા.

mumbai news mumbai narendra modi Lok Sabha Election 2024 ghatkopar