08 January, 2025 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મસ્સાજોગના સદ્ગત સરપંચ સંતોષ દેશમુખનો પરિવાર દેવેન્દ્ર ફડણવીસ સાથે.
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં યોગ્ય તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ સાથે એક બાજુ સંતોષ દેશમુખનો પરિવાર ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યો હતો ત્યારે બીજી બાજુ આખા રાજ્યમાંથી આવેલા સરપંચોએ ગઈ કાલે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરીને સંતોષ દેશમુખને ન્યાય આપવાની માગણી કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ સંતોષ દેશમુખના ભાઈ ધનંજય દેશમુખે પત્રકારોને કહ્યું હતું કે ‘અમે અમારા કેસ બદલ મુખ્ય પ્રધાનસાહેબ સાથે ચર્ચા કરી હતી. તેમણે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને આરોપીને છોડવામાં નહીં આવે એવું આશ્વાસન અમને આપ્યું છે. ગુનેગારને માફ કરવામાં નહીં આવે અને સમાજમાં દાખલો બેસે એવી સજા આરોપીને કરવામાં આવશે એવું પણ દેવેન્દ્ર ફડણવીસસાહેબે અમને કહ્યું હતું.’
ગઈ કાલે આઝાદ મેદાનમાં ભેગા થયેલા રાજ્યભરના સરપંચો. તસવીર : અતુલ કાંબળે