બીડના મસ્સાજોગ ગામના સરપંચની હત્યા થયા બાદ રોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે

10 January, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહેશત નિર્માણ કરીને ધનંજય મુંડેના નામે વાલ્મીક કરાડે કરોડો રૂપિયાની સંપત્તિ જમા કરી હોવાનો આરોપ

ધનંજય મુંડે, વાલ્મીક કરાડે

બીડના પરળી તાલુકામાં એક વર્ષમાં ૧૦૯ હત્યા થઈ હોવાનો ચોંકાવનારો આંકડો પણ બહાર આવ્યો : ડરના માર્યા સ્થાનિકો પણ કંઈ બોલતા નથી

બીડમાં મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થયા બાદ આ કેસમાં અજિત પવારના ખાસ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડે અને તેમના અત્યંત વિશ્વાસુ વાલ્મીક કરાડની સંડોવણીને લઈને રોજ નવા-નવા આરોપ થઈ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ધસે ધનંજય મુંડે અને વાલ્મીક કરાડની પુણેની કરોડો રૂપિયાની સંપત્તિ બાબતે ઘટસ્ફોટ કર્યો છે.

વાલ્મીક કરાડ અને ધનંજય મુંડે પર એક પછી એક આરોપ કરી રહેલા સુરેશ ધસે ગઈ કાલે કહ્યું હતું કે ‘આકા (વાલ્મીક કરાડ)એ ભરપૂર માલ બનાવ્યો છે. આકા અંબાણીને પણ પાછળ રાખવા માગે છે કે શું એવી મને શંકા થાય છે. આકાની પાસે કામ કરનારા અનેક લોકોના નામ પર જમીન છે. પુણેના મગરપટ્ટા વિસ્તારમાં આકાએ એક આખો ફ્લોર ખરીદ્યો છે જેની કિંમત ૭૫ કરોડ રૂપિયા છે, પણ આ ફ્લેટ આકાના ડ્રાઇવરના નામે છે. આ સિવાય આકાની પુણેમાં સાત દુકાન પણ છે જેમાં એક દુકાનની કિંમત પાંચ કરોડ રૂપિયા છે. આકાની સાથે મોટા આકા (ધનંજય મુંડે)ના ફોનની પણ તપાસ કરવી જોઈએ. બધી માહિતી બહાર આવી જશે.’

વાલ્મીક કરાડ ધનંજય મુંડેનો ફ્રન્ટમૅન હોવાનો આરોપ તમામ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બીડમાં વાલ્મીક કરાડનો આતંક મોટા આકાના આશીર્વાદને લીધે જ હોવાથી તેમણે રાજ્યના પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ જેથી સંતોષ દેશમુખ હત્યાકેસની યોગ્ય તપાસ થઈ શકે.

ચારેય બાજુથી ભીંસમાં આવી ગયેલા ધનંજય મુંડે પર તેમનાં મામી અને સ્વ. પ્રમોદ મહાજનના ભાઈ પ્રવીણનાં વાઇફ સારંગી મહાજને પણ તેમની જમીન પચાવી પાડવાનો આરોપ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ઘણી કોશિશ કરવા છતાં ધનંજય ટસનો મસ નહોતો થયો. જોકે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને આ જમીન પાછી અપાવવાનું આશ્વાસન આપ્યું હોવાનું સારંગી મહાજને કહ્યું હતું.

ધનંજય મુંડેની બીજી પત્ની કરુણા શર્માએ પણ તેમની સામે મોરચો ખોલ્યો છે. તેમણે વિધાનસભામાં થયેલી ધનંજય મુંડેની જીતને કોર્ટમાં પડકારી છે. તેમનો એવો આરોપ છે કે ચૂંટણીપંચને આપેલા ઍફિડેવિટમાં તેમણે પહેલી પત્નીની ખોટી આવક બતાવી છે.

બીડમાં દહેશતની પરાકાષ્ઠા

બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ બીડ જિલ્લો લાઇમલાઇટમાં છે ત્યારે એમાં ચાલી રહેલી ગુનાખોરીને લઈને રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સોશ્યલ ઍક્ટિવિસ્ટ અંજલિ દમણિયાએ એક રિપોર્ટને ટાંકીને હવે દાવો કર્યો છે કે બીડ જિલ્લાના પરળી તાલુકામાં છેલ્લા એક વર્ષમાં ૧૦૯ લોકોની હત્યા કરવામાં આવી છે અને એમાંથી ઘણાના તો મૃતદેહ પણ નથી મળ્યા. તેમનું કહેવું છે કે એકલા પરળીમાં આ હાલ છે તો આખા બીડ જિલ્લામાં શું પરિસ્થિતિ હશે? બીડના લોકો જબરદસ્ત દહેશતમાં હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. મુંડે પરિવારે બીડની મોટા ભાગની જમીન યેનકેન પ્રકારેણ પચાવી પાડી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો બીડનો અધ્યક્ષ વાલ્મીક કરાડ છે અને ધનંજય મુંડેએ જ તેનું નામ સજેસ્ટ કર્યું હતું.

મનોજ જરાંગે પણ આવ્યા મેદાનમાં

મરાઠા નેતા મનોજ જરાંગે પણ ગઈ કાલથી મેદાનમાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘પોતાના પરના આરોપ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ધનંજય મુંડે આ બધું મરાઠાઓ કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે, પણ હું તેમને કહેવા માગું છું કે હવે તમારા આવા કોઈ દાવપેચ નહીં ચાલે. હું તમારાથી ડરતો નથી. મુંબઈથી લઈને બીડ સુધીના તમારા તમામ કાંડ હું જનતાની સામે લાવીશ.’ 

EDએ કેમ હજી સુધી વાલ્મીક કરાડ  સામે કાર્યવાહી નથી કરી? : સુપ્રિયા સુળે

આ કેસ બાબતે ગઈ કાલે પહેલી વાર બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે બોલ્યાં હતાં. તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘વાલ્મીક કરાડ સામે અનેક ગુના છે; પણ આઠ મહિના પહેલાં એક આર્થિક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈતી હતી, પણ હજી સુધી કંઈ નથી થયું. અનિલ દેશમુખ અને સંજય રાઉત સામે પુરાવા ન હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે આ કેસમાં તો ૨૦૨૨માં વાલ્મીક કરાડના નામની નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. એમ છતાં કાર્યવાહી થઈ નથી. આ બાબતે અમે ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને લેટર આપવાના છીએ.’

ધનંજયે મને કહ્યું કે તે આ કેસમાં સામેલ નથી : અજિત પવાર

ધનંજય મુંડેનું રાજીનામું લેવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર દબાણ વધી રહ્યું છે ત્યારે દિલ્હીમાં અમિત શાહને મળીને મહારાષ્ટ્ર આવેલા અજિત પવારે પુણેમાં પત્રકારોને કહ્યું હતું કે ‘આ બાબતે મારી ધનંજય સાથે વાત થઈ હતી અને તેણે મને સ્પષ્ટ કહ્યું હતું કે તે આ કેસમાં સામેલ નથી. જે પણ લોકો આરોપ કરી રહ્યા છે તેમને મારું કહેવું છે કે ફક્ત આરોપ ન કરો, પુરાવા હોય તો આપો. અમે આ કેસમાં જે પણ આરોપી હશે તેને છોડીશું નહીં. કોઈ મોટો નેતા હશે તો પણ તેને માફ કરવામાં નહીં આવે.’ 

mumbai news mumbai political news murder case ajit pawar supriya sule manoj jarange patil beed